પાટણ ડમી કાંડમાં સાત વર્ષે કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ત્રણ ડમી પરીક્ષાર્થીઓને 1 વર્ષની જેલ અને 10-10 હજારનો દંડ

પાટણ: પાટણના ચર્ચિત ડમીકાંડ મામલે જ્યુડિશિયલ કોર્ટે 7 વર્ષે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ડમી કાંડ કેસમાં કોર્ટે ત્રણ ડમી પરીક્ષાર્થીઓને 1-1 વર્ષની જેલ અને 10-10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 2018માં પાટણના માંડોત્રી નજીક આવેલી લોર્ડ ક્રિષ્ના સાયન્સ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં એસએસસીની પરીક્ષામાં ત્રણ ડમી ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ મામલે બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

7 વર્ષે જ્યુડિશિયલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો

આ મામલો કોર્ટમાં ગયો હતો. ત્યારે હવે 7 વર્ષે જ્યુડિશિયલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ત્રણ ડમી ઉમેદવારોને સજા સંભળાવી છે. સુનાવણી દરમિયાન બે આરોપી ભદ્રાડામાં રહેતા ગોવિંદ ઠાકોર અને વારાહી નિવાસી આસીફખાન મલેક હાજર રહ્યા હતા, જ્યારે જારુસા નિવાસી ભરત ચૌધરી કોર્ટમાં હાજર નહોતો રહ્યો. હવે તેની સામે સજા વોરન્ટ ઈશ્યૂ કરવા પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટને જજ યુ.એસ. કાલાણીએ આદેશ આપ્યો છે. આ આરોપીને 1 વર્ષની સાદી જેલ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત જો આરોપીઓ દંડ ન ભરે તો તેમને વધુ બે માસની સાદી જેલની સજા ફટકારવામાં આવી છે.

છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના ગુના સતત વધી રહ્યા છે

કોર્ટમાં સુનાવણી કરતી વખતે જજ યુ.એસ.કાલાણીએ કહ્યું કે, બંને પક્ષની દલીલ સાંભળવામાં આવી છે. આ કેસમાં આરોપીઓએ શાળાને છેતરવાના ઇરાદા પૂર્વક પરીક્ષાર્થીઓના બદલે ડમી ઉમેદવાર બેસાડવામાં આવ્યા હોવાના આરોપો સાચા સાબિત થયા છે. આરોપીએ શાળા અને બોર્ડને છેતરવાનો પ્રયત્ન કર્યો છે જેના કારણે બોર્ડની શાખાને નુકસાન પહોચ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના ગુના સતત વધી રહ્યા છે. જેથી આ ગુનાના આરોપીઓને સજા ફટકારીને સમાજમાં દાખલો બેસાડવો જરૂરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *