મોંઘવારીનો માર: નવા વર્ષે જ ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં વધારો ઝીંક્યો

અમદાવાદ: નવા વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં વધારો કરીને વાહન ચાલકોને મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં ફરી એકવાર કિલો દીઠ દોઢ રૂપિયાના વધારાની જાહેરાત કરી છે. આ નવો ભાવ આજથી અમલમાં આવી ગયો છે. છેલ્લા 6 મહિનામાં ચોથી વખત CNGના ભાવમાં વધારો કર્યો છે. ગુજરાત ગેસ કંપનીએ જુલાઈ મહિનામાં CNGના ભાવમાં 1 રૂપિયો વધારો કર્યો હતો ત્યાર બાદ ઓગસ્ટમાં ફરી કિલો દીઠ 1 રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો હતો. તે પછી 1 ડિસેમ્બરથી ગેસ કંપની દ્વારા CNGના ભાવમાં દોઢ રૂપિયો વધારો કર્યો હતો ત્યાર બાદ હવે ફરી નવા વર્ષમાં 1 જાન્યુઆરીથી દોઢ રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે.

6 જ મહિનામાં ચોથી વખત CNGના ભાવમાં વધારો

1 જાન્યુઆરીથી ફરી 1.50 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જૂનો ભાવ 77.27 રૂપિયા હતો જે 1 જાન્યુઆરીથી 79.26 રૂપિયા થઈ જશે. છેલ્લા 6 મહિનામાં જ CNGમાં કિલો દીઠ ભાવમાં 5 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ભાવ વધારો થવાને કારણે CNG વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂપિયાનું ભારણ વધશે. ગુજરાત ગેસના CNG પંપની ફ્રેન્ચાઈઝી ધરાવતા ડીલરે કહ્યું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા માત્ર 6 જ મહિનામાં ચોથી વખત CNGના ભાવમાં વધારો કરાયો છે. જો CNG ગેસના ભાવ આવી જ રીતે વધતા રહેશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા ડીઝલથી ચાલતા વાહનો તરફ વળશે અને તેના કારણે પ્રદૂષણ વધશે.

રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રીક્ષાઓ સીએનજી ગેસનો ઉપયોગ કરી રહ્યા છે. આ વધારાથી CNG કારના માલિકો તેમજ રીક્ષા ચાલકોને વધારે રૂપિયા ખર્ચવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!