મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં સંડોવણી નામે સુરતમાં વૃદ્ધને 15 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી 1.71 કરોડ પડાવી લીધા

સુરત: સુરતમાંથી વધુ એક ડિજિટલ અરેસ્ટની ઘટના સામે આવી છે. સુરતમાં નિવૃત જીવન વ્યતિત કરી રહી રહેલા 61 વર્ષના વૃદ્ધને સાયબર માફિયાઓએ 15 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 1.71 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. વૃદ્ધને ટ્રાય વિભાગના નામે કોલ કરી તમારા આધાર કાર્ડ ઉપર બે સીમકાર્ડ એક્ટિવ થયા છે તથા કોટક બેંકમાં એકાઉન્ટ ઓપન થયું છે અને તેનું નરેશ ગોયલ મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં ઉપયોગ થયો છે એમ કહીને આ 1.71 કરોડ રૂપિયા જુદા-જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. હવે ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાના સીબીઆઈ ઈન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટની બોગસ રસીદ મોકલાવનાર ગેંગ વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે.

મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં સંડોવણી નામે પૈસા પડાવી લીધા

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા અને ઇલેક્ટ્રોનિક રીપેરીંગની દુકાન બંધ કરીને નિવૃત્ત જીવન વ્યતિત કરી રહેલા 61 વર્ષના વૃદ્ધ ઉપર તારીખ 24 સપ્ટેમ્બરના રોજ એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ ટ્રાઈ વિભાગમાંથી બોલું છું એમ કહીને આપી હતી. ત્યારબાદ તેણે કહ્યું કે, તમારા આધાર કાર્ડ નંબર ઉપર બે સીમકાર્ડ એક્ટિવ થયા છે એમ કહ્યું અને પછી આધારકાર્ડ નંબરની ખાતરી કર્યા બાદ તમારા નામે કેનેરા બેન્કમાં એક એકાઉન્ટ પણ ઓપન થયું છે અને તેનો ઉપયોગ નરેશ ગોયલ મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં થયો છે. અને તમારી પણ તેમાં સંડોવણી જણાઈ રહી છે, તેથી જો તમે તપાસમાં સહકાર નહીં આપો તો તમને આજીવન કેદની સજા થઈ શકે છે. હવે તમારે અમે જેમ કહીએ તેમ કરવાનું છે અને આ એક ગુપ્ત તપાસ છે એટલે કોઈને જાણ ન ન કરવી અને જો તમે કોઈકને આના વિશે જાણ કરશો તો તેને પણ ગુનામાં સામેલ કરવામાં આવશે. આવું કહ્યા બાદ મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાં વાયોલન્સ, ઈલીગલ એક્ટિવિસ્ટ હેઠળની FIR નંબર જણાવી વ્હોટ્સએપ કોલ કરવા કહ્યું હતું.

ગુનો નોંધવાની ધમકી આપી

હિરેનભાઈ વ્હોટ્સએપ કોલ કરતા અંધેરી ઇસ્ટ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર પ્રદીપ સાવન તરીકેની ઓળખ આપી પોતાનું આઈકાર્ડ બતાવ્યું હતું. ત્યારબાદ ટ્રાયનો લેટર અને ઇન્ડિયન નેશનલ સિક્રેટ એકટનું એક ડોક્યુમેન્ટ મોકલ્યા બાદ તપાસ સહકાર નહિ આપે તો આઈપીસી હેઠળ ગુનો નોંધવાની ધમકી આપી અને તેમને સંમતિ વગર ઘર કે દેશ છોડી શકતો નહીં અન્યથા ભાગેડું જાહેર કરવામાં આવશે અને તમામ નાણાકીય એકાઉન્ટ ફ્રીજ કરી રાજ્ય સરકારને તપાસ સોંપી દેવામાં આવશે એમ જણાવ્યું હતું.

જીવનભરની જમા કરેલી રકમ આ ટોળકીએ પડાવી લીધી

આ ઠગ ટોળકી વૃદ્ધને કહ્યું કે, તમારે દર બે કલાકે અમને રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ સાથે જ સવારે ગુડ મોર્નિંગ અને રાત્રે ગુડ નાઈટનો મેસેજ કરવાનો રહેશે. બીજી તરફ વૃદ્ધને કુટુંબના સભ્યોની સંખ્યા અને બેંકમાં કેટલું બેલેન્સ તેમજ મિલકતો બાબતે પણ વાત કરી હતી.
ત્યારબાદ તેમણે આરબીઆઈનો લેટર મોકલ્યો અને જણાવ્યું કે, તેમાં 17 ફરિયાદો અને સુપ્રીમ કોર્ટમાં બે વોરંટ ઈસ્યુ થયેલા છે બીજું વોરંટ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારી સંપત્તિ અને બેંક ખાતુ ફ્રિજ કરાશે અને તમને જેલમાં મોકલવામાં આવશે પછી ઠગ ટોળકીએ પૈસા પડાવવાના ઓપ્શન આપ્યો હતો.

વૃદ્ધે પોતાના પુરા જીવન દરમિયાન મહેનત મજૂરી કરીને કમાયેલી કરોડોની રકમ માત્ર 15 દિવસમાં ગુમાવી દીધી હતી. 25-30 વર્ષ પહેલા વૃદ્ધે શેર બજારમાં મોટું રોકાણ કર્યું હતું. જીવનભરની જમા કરેલી રકમ આ ટોળકીએ પડાવી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!