તમિલનાડુ: તમિલનાડુના ડિંડીગુલમાં ગુરુવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં આગ લાગી ગઈ હતી. આ આગમાં 7 લોકો હોમાયા છે અને અનેક લોકો ઘાયલ છે. મૃતકોમાં 1 બાળક અને 3 મહિલાઓ સામેલ છે. ઘાયલોમાંથી ત્રણની હાલત ગંભીર છે. આ તમામ ઘાયલોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દુર્ઘટના ગુરુવારે રાત્રે લગભગ 10:00 વાગ્યે બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. હોસ્પિટલની અંદર ફસાયેલા લગભગ 100 લોકોને બચાવવા માટે ઓછામાં ઓછી ત્રણ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ 10 સરકારી એમ્બ્યુલન્સ અને 30 પ્રાઈવેટ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને લોકોને બહાર કાઢીને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
અહેવાલ પ્રમાણે ડિંડીગુલ જિલ્લાના તિરુચી રોડ પર સ્થિત આ ચાર માળની હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર સૌથી પહેલા આગ લાગી હતી. ત્યારબાદ ધીમે-ધીમે આ આગે આખી હોસ્પિટલને ઘેરી લીધી હતી. રિસેપ્શન એરિયામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
દર્દીઓને સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
આ દુર્ઘટના અંગે ડિંડીગુલ જિલ્લા કલેક્ટર એમએન પૂંગોડીએ જણાવ્યું કે, એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લગભગ 10:00 વાગ્યે આગ લાગી ગઈ હતી. આ અંગેના સમાચાર મળતા જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. દર્દીઓને બચાવીને નજીકની સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો અંગેની સ્પષ્ટ માહિતી ડોકટરોની પુષ્ટિ પછી જ જાહેર કરવામાં આવશે.