ભાવનગરમાં સરકારી લોન યોજના અંતર્ગત કૌભાંડ, જાણો કેવી રીતે થયો ખુલાસો?

  • 1 કરોડના લોન કૌભાંડમાં SITની રચના
  • લઘુ ઉદ્યોગના નામે 24 વ્યક્તિઓને લોન અપાવી કરી છેતરપિંડી
  • નકલી કવોટેશન, નકલી ઇનવોઇસ બિલોના આધારે રૂા.1 કરોડની છેતરપિંડી
  • 24 લાભાર્થી અને બેંકના અધિકારીઓ સામે ગુનો

ભાવનગરમાં બેંક ઓફ બરોડાની મોખડાજી સર્કલ શાખામાં રૂ. 1.01 કરોડનું લોન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 8 મહિલાઓ સહિત 26 લાભાર્થીઓએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે ‘વાજપાઈ બેંકેબલ યોજના’ લઘુ ઉદ્યોગ માટે સબસિડી વાળી લોન લઇ છેતરપિંડી આચરી હતી. ભાવનગરમાં બેંક ઓફ બરોડાની મોખડાજી સર્કલ શાખામાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર શિવશંકર ઝા અને ક્રેડિટ ઓફિસર પ્રદીપ મારુ, બે એજન્ટ હિતેશ ગલચર, રમેશ જાવિયા અને એક ગ્રાહક જેસિંગ રાઠોડની ધરપકડ કરી છે.

લઘુ ઉદ્યોગ શરૂ કરાવવાના હેતુથી લઘુ ઉદ્યોગકારોને આર્થિક સહાય મળે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ પ્રોગ્રામ અને બાજપાઈ બેંકેબલ યોજના શરૂ કરવામાં આવી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી બાદ આ યોજનાઓ અંતર્ગત લોન અને સબસીડી મેળવવા માટેની આગળની પ્રક્રિયા શરૂ થાય છે.

પરંતુ બેંક ઓફ બરોડાની ભાવનગર શહેરની મોખડાજી સર્કલ બ્રાંચમાં સરકારની આ કલ્યાણકારી યોજનાનો દુરઉપયોગ કરી નકલી ક્વોટેશન અને ઈન્વોઈસ બીલોની મદદથી સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. એપ્રીલ-2023 દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લાની બેંક ઓફ બરોડાની બ્રાંચનું ઓડિટ થયું હતું જેમાં ભાવનગર શહેરની મોખડાજી સર્કલ બ્રાંચ ખાતેથી પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ પ્રોગ્રામ અને બાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત લોન લેનારા વ્યક્તિઓએ બેંકમાં બનાવટી ક્વોટેશન અને ઈનવોઈસ બીલો રજૂ કરી લોન મેળવી લીધી અને અરજીમાં દર્શાવેલ ધંધાના સ્થળે કોઈ મશિનરી કે ધંધાનું સ્થળ નહી મળી આવતા લોન અને સબસીડીની રકમ ભરપાઈ કરવા માટે 24 લાભાર્થીઓને નોટિસ મોકલવામાં આવી હતી.

જેમાંથી 10 લોકોએ નોટીસ આપ્યેથી લોન ભરપાઈ કરી દીધી હતું પરંતુ 14 લાભાર્થીઓએ નોટીસને પણ નહી ગણકારી આજદીન સુધી લોન નહી ભરી સરકાર સાથે કુલ રૂ.1,01,35,341ની છેતરપિંડી આચરી હતી.

આ સમગ્ર કૌભાંડમાં બેંક ઓફ બરોડા મોખડાજી સર્કલ બ્રાંચના તત્કાલિન બ્રાંચ મેનેજર અને તત્કાલિન ક્રેડિટ ઓફિસર અને તેના મળતીયાઓ દ્વારા સરકારી યોજનાઓ અંતર્ગત આપવામાં આવતી લોન મંજૂર કરતા પહેલા વેરિફિકેશન અને લોન મંજૂર થતાં પછી પોસ્ટ વેરિફિકેશન નહી કરી સ્ટાન્ડર્ડ પ્રોસિઝર અનુસરતા બેંક ઓફ બરોડાની મોખડાજી સર્કલ બ્રાંચના તત્કાલિન બ્રાંચ મેનેજર શિવશંકર ઝા તથા ક્રેડિટ ઓફિસર પ્રદિપ મારુને ગત તા.01 જૂન,2023ના રોજ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને તેમની સામે બેંક દ્વારા ઈન્ટરનલ ઈન્ક્વાયરી કરવામાં આવી હતી.

જે બનાવ અંગે બેંક ઓફ બરોડાના રિજનલ હેડ (આસિસ્ટન્ટ જનરલ મેનેજર) રાજેશ ભાકર શિવરામસિંહ ભાકરે ઘોઘા રોડ પોલીસ મથકમાં 24 લાભાર્થીઓ, બેંક ઓફ બરોડા મોખડાજી સર્કલ બ્રાંચના તત્કાલિન બ્રાંચ મેનેજર અને તત્કાલિન ક્રેડિટ ઓફિસર અને તેના મળતીયાઓ મળી કુલ 28 લોકો સામે સરકારી સબસીડી મેળવવા માટે દસ્તાવેજો સાથે ચંડાં કરી ષડયંત્ર રચી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરવા સહિતની કલમ અન્વયે ફરિયાદ નોંધાવી હતી. બનાવને લઈ શહેરભરમાં ભારે ચકચાર મચી હતી.

બેંકના ઓડિટમાં આ કૌભાંડ પકડાયા બાદ બેંક ઓફ બરોડાના રિજનલ હેડ ડો. રાજેશ ભાકર શિવરામસિંહ ભાખરએ 28 આરોપીઓ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. લાભાર્થીઓના લોન એકાઉન્ટમાંથી અન્યોના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્ફર થયાંના પુરાવા મળ્યા છે.

બેંકના ઓડિટ દરમિયાન થયેલી ચકાસણીમાં બેંકના તત્કાલિન મેનેજર અને તત્કાલિન ક્રેડિટ ઓફિસર સાથે સંકળાયેલા હિતેષ દલપતભાઈ ગલચરના તેમજ તેના પરિવારના સભ્યોના નામના બેંક એકાઉન્ટમાં ઉપરોક્ત લાભાર્થી વ્યક્તિઓના લોન એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થયાંના તેમજ અન્ય શખ્સ રમેશ મગનભાઈ જાવીયા જુદી-જુદી બેંકના જુદાં-જુદાં એકાઉન્ટમાં એકથી વધારે વખત લોન પેટેના નાણાં જમા થયા હોવાના તથા આ સિવાયના લોકોના એકાઉન્ટમાં પણ નાણાં જમા થયા હોવાના પુરાવા મળ્યા છે. ત્યારે હવે પોલીસ બેંકની ઈન્ટરનલ ઈન્ક્વાયરીમાં મળેલા પુરાવાના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

આ બાબતે 24 લાભાર્થી સહિત 28 સામે ગુનો નોંધાયો છે જેમાં તત્કાલિન બ્રાંચ મેનેજર શિવશંકર ઝા, તત્કાલિન ક્રેડિટ ઓફિસર પ્રદીપ મારુ, બે એજન્ટ હિતેશ દલપતભાઈ ગલચર અને રમેશ મગનભાઈ જાવિયા, ગ્રાહકો ટીલાવત જયશ્રીબેન અનિલભાઈ,નિખિલ પ્રકાશભાઈ સોલંકી, વૈભવ હિતેશભાઈ દોશી, સ્વાતી ધર્મેશભાઈ સવાણી, માયાબેન ઘનશ્યામભાઈ પંડયા, દિનેશ નાગજીભાઈ ડાભી, વિજય દેવજીભાઈ પરમાર, કૃણાલ રમેશભાઈ બથવાર, ચેતનાબેન રમેશભાઈ જાવીયા, શૈલેન્દ્ર પરશોત્તમભાઈ પટેલ, રિદ્ધિબેન બટુકભાઈ ડગરા, ધર્મિષ્ઠાબેન કિશનકુમાર સાવલીયા, પ્રદિપ રણછોડભાઈ મકવાણા, જેસિંગ રણછોડભાઈ રાઠોડ, અમિત મનુભાઈ ચૌહાણ, જવલબેન ભલાભાઈ દિહોરા, કેતન ધનજીભાઈ પરમાર, અક્ષય પ્રવિણભાઈ મકવાણા, ભાયા કાનાભાઈ ડાભી, શૈલેષ બોઘાભાઈ ગોહિલ, જયદીપ બુધાભાઈ બારૈયા, મુકેશ દલાભાઈ બારૈયા, હેતલબેન અરવિંદભાઈ બારૈયા અને નેહિતેશ ચંદ્રકાંતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.

આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. તપાસમાં જો વધુ બેંક કર્મચારીઓની સંડોવણી મળશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ધરપકડ કરાયેલા બ્રાન્ચ મેનેજર શિવશંકર ઝાની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!