જૂનાગઢ: રાજ્યમાં હાલમાં પોલીસ વિભાગની લોકરક્ષક અને PSIની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ભરતીને લઈને ગ્રાઉન્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના 15 જેટલા ગ્રાઉન્ડમાં સાડા બાર હજારની જગ્યા સામે 10 લાખ જેટલા યુવાનોની દોડ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ વચ્ચે જૂનાગઢમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના માણાવદરમાં રહેતા એક યુવાને પોલીસ ભરતીની દોડમાં ફેલ થઈ જતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો
પ્રાપ્ત માહિતી પ્રમાણે જૂનાગઢના માણાવદર તાલુકાના દગડ ગામનો રહેવાસી પરેશ કાનગડ 9 જાન્યુઆરીના રોજ ભરતીની શારીરિક કસોટી આપવા જામનગર પહોંચ્યો હતો. ત્યાં સમયસર દોડ પૂરી ન કરી શકતા તે થોડી જ સેકેન્ડ માટે ફેલ થઈ ગયો હતો. છેલ્લાં 8 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો હતો અને પોલીસની પરીક્ષા આપી રહ્યો હતો પરંતુ ફેલ થવાના કારણે તે ભાંગી પડ્યો અને પછી તેણે બાંટવા નજીક જંગલમાં જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. તેણે ગઈકાલે મોડી રાત્રે આ પગલુ ભર્યું. પરિવારમાંથી જાણવા મળ્યું હતું કે, પરેશ છેલ્લા છ મહીનાથી ગ્રાઉન્ડ પાસ કરવા માટે મહેનત કરી રહ્યો હતો અને તેમને નિષ્ફળતા મળતા આ પગલું ભરી લીધું હતું.
પોલીસે યુવકના મૃતદેહને માણાવદર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમમાં મોકલ્યો છે. પોલીસે સમગ્ર મામલે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.