પથાનામથિટ્ટા: કેરળમાંથી હેવાનિયતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેરળની એક છોકરીએ જણાવ્યું કે, 2019થી અત્યાર સુધીમાં મારી સાથે 64 લોકોએ દુષ્કર્મ આચર્યું છે. આમાં છોકરી સાથે શાળામાં ભણતા છોકરાઓ, તેના કોચ, પડોશીઓ અને સંબંધીઓ સામેલ છે. આ કેસમાં પોલીસે ઘણા લોકોની ધરપકડ કરી લીધી છે.
સ્કૂલના મિત્રો, કોચ, પડોશીઓ, સંબંધીઓ 13 વર્ષની છોકરીએ જેના પર પણ વિશ્વાસ કર્યો તે બધાએ તેને હેવાનિયતની નજરથી જોઈ. આ બધા જ તેને હવસની નજરથી જોતા હતા. આ બધાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું. હેવાનિયતનો આ ખેલ 4 વર્ષ સુધી ચાલુ રહ્યો અને આ દરમિયાન 64 લોકોએ આ છોકરીને પોતાની હવસનો શિકાર બનાવી. આવી સ્થિતિમાં છોકરી મેન્ટલ ટ્રોમામાં જતી રહી, ત્યારબાદ તેને દરેક પુરુષમાં હેવાન દેખાવો લાગ્યો. તેનો વિશ્વાસ તૂટી ગયો હતો, પરંતુ આખરે જ્યારે તે 18 વર્ષની થઈ ત્યારે તેણે હિંમત કરી અને સ્કૂલ કાઉન્સેલિંગમાં પોતાની દુ:ખદ સ્ટોરી જણાવી, જે સાંભળીને લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા. આ મામલો કેરળના પથાનામથિટ્ટા જિલ્લાનો છે.
6 લોકોની ધરપકડ
પથાનામથિટ્ટા જિલ્લામાં જાતીય શોષણના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે હજુ અન્ય લોકોની ધરપકડ કરવાની બાકી છે. આ પીડિત છોકરીએ જણાવ્યું કે, જ્યારે હું માત્ર 13 વર્ષની હતી ત્યારે મારી શાળામાં ભણતા એક છોકરાએ પહેલી વાર મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ તો 2019ની વાત છે, પછી તેને સમજાયું નહીં કે મારે શું કરવું જોઈએ? ત્યારબાદ છોકરીનું જાતીય શોષણ કરનારા છોકરાએ તેના મિત્રોને આ વાત કહી તો પછી તેણે પણ છોકરીને બ્લેકમેલ કરીને તેને હવસનો શિકાર બનાવી. જોકે છોકરી આ બધાથી તૂટી ન ગઈ, તેણે બધું પાછળ છોડીને આગળ વધવાનું નક્કી કર્યું અને શાળામાં સ્પોર્ટ્સ ટીમમાં સામેલ થઈ.
કોચે પણ મદદ કરવાના બદલે છોકરીને હવસનો શિકાર બનાવી
સ્પોર્ટ્સ ટીમમાં સામેલ થયા બાદ આ છોકરી કોચ પર ખૂબ વિશ્વાસ કરવા લાગી. છોકરીએ પોતાની સાથે થયેલી હેવાનિયત અંગે કોચને જણાવ્યું, પરંતુ અહીં પણ તેની સાથે વિશ્વાસઘાત થયો. મદદ કરવાને બદલે કોચે છોકરીને પોતાની હવસનો શિકાર બનાવી. પછી છોકરીને લાગ્યું કે તેણે આ ઘટનાઓ વિશે તેના સંબંધીઓને કહેવું જોઈએ. પણ તેના પોતાના લોકોએ પણ તેની સાથે વિશ્વાસઘાત કર્યો. છોકરીએ કહ્યું કે તેના સંબંધીએ પણ તેની સાથે એ જ વર્તન કર્યું જે સ્કૂલના છોકરાઓ અને કોચે કર્યું હતું. ત્યારબાદ તે અંદરથી તૂટી ગઈ. તેને લાગ્યું કે આ દુનિયામાં કોઈના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી.
કેવી રીતે સામે આવ્યો મામલો
પોલીસે જણાવ્યું કે, આ જાતીય સતામણી કેસમાં પાંચ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. છઠ્ઠો વ્યક્તિ પહેલેથી જ જેલમાં છે. છોકરી બે મહિના પહેલા 18 વર્ષની થઈ. પથાનામથિટ્ટા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ રાજીવ એન. એ જણાવ્યું કે, છોકરીએ સૌપ્રથમ શાળાના કાઉન્સેલિંગ સત્ર દરમિયાન જાતીય શોષણ વિશે વાત કરી હતી. બાળ કલ્યાણ સમિતિના હસ્તક્ષેપ બાદ પોલીસ કેસ નોંધવામાં આવ્યો. છોકરી પર જાતીય હુમલો કરવાના મોટાભાગના આરોપીઓ કોચ, સહાધ્યાયી અને સ્થાનિક રહેવાસીઓ છે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પોક્સો એક્ટ સહિત અને અન્ય મામલે કેસ નોંધવામાં આવ્યો છે.