અમદાવાદ શહેરમાં હત્યા જેવી ગંભીર ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. મેમનગરમાં આધેડની હત્યાના 24 કલાકની અંદર વધુ એક ખૂની ખેલ ખેલાયો હતો. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ઈન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મૂકવા જેવી સામાન્ય બાબતમાં બે મિત્રો ઉપર છરી અને પથ્થરથી હુમલો થયો હતો. જેમાં એકનું મોત નીપજ્યું હતું. જોકે, વેજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત ત્રણની ધરપકડ કરી લીધી છે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના જુહાપુરામાં રહેતા મોહમ્મદસાલિક શેખને સ્થાનિક રેહાન પઠાણ સાથે રમઝાન સમયથી તકરાર ચાલતી હતી. બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે અગાઉ ઝઘડો થયો હતો.
મોહમ્મદસાલિકે સોશિયલ મીડિયા પર મૂકેલી એક સ્ટોરીની અદાવત રાખી રેહાન પઠાણે તેને વાત કરવા માટે આયશા મસ્જિદ પાસે બોલાવ્યો હતો.
મોહમ્મદસાલિક જ્યારે તેના મિત્ર કાશીબ સૈયદ સાથે મસ્જિદ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં રેહાન પઠાણ તેના સાગરીતો ફૈઝલ પઠાણ અને ફૈઝાન પઠાણ સાથે હાજર હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી પર પહોંચ્યો હતો.
આ દરમિયાન રેહાને ઉશ્કેરાઈને સાલીકના પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. આરોપીઓએ કાશીબને પણ છરી મારી પથ્થરમારો કર્યો હતો.
લોકોના ટોળા એકઠા થતા આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.ગંભીર ઈજાઓને કારણે મોહમ્મદસાલિકનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ઘાયલ કાશીબ હાલ સારવાર લઈ રહ્યો છે.
ગણતરીના કલાકોમાં પોલીસે ત્રણને દબોલી લીધા
વેજલપુર પોલીસે મોડી રાત્રે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને મુખ્ય આરોપી રેહાન પઠાણ, ફૈઝલ પઠાણ તથા ફૈઝાન પઠાણની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે હત્યા પાછળ માત્ર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જ કારણભૂત છે કે અન્ય કોઈ જૂની અદાવત.