સુરતમાં મેડિકલની બોગસ ડિગ્રીઓ આપવાનું મોટા કૌભાંડનો પર્દાફાશ, 32 વર્ષથી ચાલતો હતો આ ગોરખ ધંધો, 1200 બેકારોને આપી નકલી ડિગ્રી

bogus medical degrees

ગુજરાતમાં નકલી ડોક્ટરોનો જાણે રાફડો ફાટી નીકળ્યો છે. રોજે રોજ એક પછી એક બોગસ ડોક્ટરો ઝડપાતા હોય છે. સુરતમાં મેડિકલની બોગસ ડિગ્રીઓ આપવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું હતું. સુરત પોલીસે પાંડેસરામાં ચાલતા ત્રણ ક્લિનિક પર દરોડો પાડી બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી BEMSના સર્ટિફિકેટ મળી આવ્યા હતા. જે સુરતના જ બે તબીબોએ આપ્યા હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં કુલ 13ને ઝડપી પાડ્યા છે.

આ કેસની પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ડો.રાવત અને ડો. રસેશ સાથે મળીને ધો.10-12 પાસ બેકારોને 70 હજારમાં બોગસ મેડિકલ ડિગ્રી આપવાનું રેકેટ ચલાવતા હતા. માત્ર એટલું જ નહીં, રજિસ્ટ્રેશન પેટે મહિને 5000 રૂપિયા વસૂલતા હતા. 1992થી ચાલતા આ રેકેટમાં 1200 લોકોને બોગસ ડિગ્રી આપી છે.

સુરત પોલીસે ખુલાસો કર્યો છે કે, કોઇપણ ટ્રેનિંગ કે મેડિસિનની જાણકારી આપ્યા વગર આ લોકો માત્ર 10 દિવસમાં સર્ટિફિકેટ કે ડિગ્રી આપી દેતા હતા. કોઇપણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિના ટ્રેનિંગના નામે 1,200 સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આ રેકેટ ચલાવનાર મુખ્ય આરોપી સહિત 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બોગસ ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. આ 13 ડોક્ટરોમાં શમીમ અન્સારી નામનો તે બોગસ ડોક્ટર પણ સામેલ છે, જેના કારણે થોડા દિવસો પહેલાં એક નાનકડી બાળકીનું મૃત્યુ થયું હતું.

આ અંગે સુરત ઝોન-4ના DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ત્રણ અલગ-અલગ ડોક્ટરના ક્લિનિક પર તપાસ કરવામાં આવી હતી. ડોક્ટર પાસેથી ડિગ્રી માગવામાં આવી તો તેમણે BEMS (Bachelor of Electro Homeopathy Medical Science)નું સર્ટિફિકેટ રજૂ કર્યું, જે ગુજરાત સરકાર દ્વારા માન્ય નથી. આરોગ્ય વિભાગે જણાવ્યું કે આ ડિગ્રી બોગસ છે.

DCP વિજયસિંહ ગુર્જર મુજબ, આ શખસોની ટીમ લોકોના સંપર્કમાં જઈ 70,000 રૂપિયામાં ડિગ્રી આપવાની વાત કરતી હતી અને રાજ્ય સરકારના આયુષ મંત્રાલય દ્વારા આ ડિગ્રી આપવામાં આવશે. જે આ મંત્રાલયના બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ સાયન્સ હેઠળ આવે છે. તેની મુખ્ય ઓફિસર અમદાવાદમાં છે.

આરોપીઓએ લોકોને કહ્યું હતું કે તે પ્રથમ તાલીમ આપશે અને ત્યાર બાદ ડિગ્રી આપવામાં આવશે. લોકોની સાથે દોઢ વર્ષની તાલીમ આપવાની વાત હતી, પરંતુ તે માત્ર દેખાવ હતો. તેમની પાસે કોઈપણ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું તાલીમ આપવા માટે. તેઓ વિવિધ લોકો પાસેથી રૂપિયા 60 હજાર, 70 હજાર કે 80 હજાર લઈને આ ડિગ્રી આપતા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પૈસા મળ્યા પછી માત્ર 10 દિવસમાં ડિગ્રી છાપી આપવામાં આવતી હતી. ડો. રસેશ ગુજરાતી આ લોકોને ગેરેન્ટી આપતા હતા કે, આ ડિગ્રીના આધારે તેઓ પ્રેક્ટિસ કરી શકશે અને પોલીસ કે આરોગ્ય વિભાગ તેમને પરેશાન નહીં કરે. જો કોઇ પરેશાન કરે તો તેઓ આખી બાબત હલ કરી દેશે. તે લોકોને એ પણ સમજાવતા હતા કે, આ ડિગ્રી પછી તેઓ એલોપેથી, હોમિયોપેથી કે આયુર્વેદિક પ્રેક્ટિસ કરી શકે છે. તેઓ લોકોને બોર્ડના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પ્રિન્ટ કરીને આપતા હતા. જેના આધારે તેઓ ગુજરાતના કોઈપણ સ્થળે પ્રેક્ટિસ કરી શકતા હતા.

આરોપીઓ રજિસ્ટ્રેશનને માન્યતા આપતા હતા. જો રજિસ્ટ્રેશન એક વર્ષ માટે માન્ય હોય તો નવા રજિસ્ટ્રેશનના બહાને રૂપિયા 5,000થી 15,000 સુધી વસૂલતા હતા. જો કોઈ ડોક્ટર આ ફી ન ચૂકવે તો ધમકી આપતા હતા.

ડો. રસેશ ગુજરાતી બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ આપીને મેળવેલા રૂપિયામાંથી 30 ટકા ડો. બીકે રાવતને આપતા હતા. બાકીના પૈસા પોતે રાખતા હતા. ઇરફાન અને શોભિતસિંહ જેવી વ્યક્તિઓ લોકોને ધમકાવવાનું અને રજિસ્ટ્રેશનની ફી વસૂલવાનું કામ કરતા હતા. જો કોઈ ડોક્ટર રિન્યૂ ન કરાવે તો તે પ્રેક્ટિસ કરી શકતો નહીં અને તેને પરેશાન કરવામાં આવતો હતો. જો ડોક્ટર ફી ન ચૂકવે તો ડો. બીકે રાવત દ્વારા નોટિસ મોકલવામાં આવતી હતી. આ નોટિસનો ડર બતાવીને ડોક્ટર પાસેથી ફી વસૂલવામાં આવતી હતી.

ડો. રસેશ ગુજરાતીએ કબૂલ્યું હતું કે, તે 1990ના દાયકામાં BHMSનો અભ્યાસ કર્યો હતો અને વિવિધ ટ્રસ્ટમાં પ્રવક્તા અને વાઈસ પ્રિન્સિપાલ તરીકે કામ કર્યું હતું. પરંતુ આમાં ખાસ નફો ન થતો હોવાથી તેણે ઇલેક્ટ્રો હોમિયોપેથી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. ભારત સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રો હોમિયોપેથી માટે કોઈ નિયમો જાહેર ન થતાં તેણે આ ગોળચક્ર શરૂ કર્યું હતું.

ગુજરાતમાં 1,200 લોકોને બોગસ ડિગ્રી આપવા પાછળ ડો. રસેશ ગુજરાતીએ ડો. બીકે રાવત સાથે મળીને કામગીરી કરી હતી. પહેલાં કેટલાક યુવકોને ઇલેક્ટ્રો હોમિયોપેથીનો ત્રણ વર્ષના કોર્સ બે વર્ષમાં પૂર્ણ કરાવ્યો. આ કોર્સ હેઠળ દવાઓ કેવી રીતે આપવી અને કયા પ્રકારના ઉપચાર કરવાના તેની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આ લોકોના સર્વે દરમિયાન જાણવા મળ્યું હતું કે, લોકોને કોર્સ વિશે કંઈ જ જાણકારી નથી અને બોગસ ડિગ્રી મેળવીને એલોપેથી દવા આપી શકાય છે.

દિવ્ય ભાસ્કરે આખા રેકેટને ચલાવનાર આરોપીને પ્રશ્ન પૂછ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો હતો. બીકે રાવતે જણાવ્યું હતું કે, 1992થી આ બધું ચાલે છે. અમે 1500 લોકોને સર્ટિફિકેટ આપ્યા છે. કોઇપણ વાત કરવા તૈયાર નથી. જેટલા આરોપ લાગ્યા છે તે લાગતા જ રહે છે.

ડો. રસેશ ગુજરાતીએ જણાવ્યું હતું કે, મેં કોઈપણ પ્રકારની ડિગ્રી આપી નથી. જેણે પણ તમને જાણકારી આપી છે તેના જ પાસેથી જઈને પૂછો. હું માત્ર શીખવતો હતો. ડિગ્રી નથી આપતો. ગુજરાત હાઈકોર્ટના 2010ના ચૂકાદા મજુબ ઇલેક્ટ્રોપેથીનો પ્રચાર-પ્રસાર કરી શકાય છે. પ્રચાર-પ્રસાર અને સર્ટિફિકેટ આપી શકાય છે. આ ડિગ્રી નથી માત્ર સર્ટિફિકેટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!