રાજકોટ: રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી બોગસ જમીન કૌભાંડ ચર્ચામાં છે. પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટમાં બનાવટી દસ્તાવેજોનો રાફડો ફાટ્યો છે. બીજી તરફ આ સમગ્ર કૌભાંડમાં સરકારી વિભાગની સંડોવણી પણ સામે આવી છે.
બોગસ જમીન કૌભાંડનો આંકડો કરોડોમાં પહોંચ્યો
રાજકોટમાં બોગસ જમીન કૌભાંડનો આંકડો કરોડોમાં પહોંચી ગયો છે. 2001થી 2022 સુધીમાં 350થી વધુ બનાવટી દસ્તાવેજો થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બોગસ જમીન કૌભાંડનો આંકડો 20 હજાર કરોડ આસપાસ પહોંચી શકે છે. આ બોગસ જમીન કૌભાંડમાં અભિલેખાગાર, સબ રજીસ્ટ્રાર, મામલતદાર કચેરીનાં કર્મચારીઓની સંડોવણી સામે આવી છે.
આરોપીનાં ફ્લેટમાંથી સ્ટેમ્પ કબ્જે કર્યા
રાજકોટ પોલીસે આરોપી હર્ષ સોનીનાં ફ્લેટમાંથી સ્ટેમ્પ કબ્જે કર્યા છે. દસ્તાવેજ બનાવવાનાં મશીન, સિલ્વર પેપર, સીપીયુ સહિતનું સાહિત્ય કબ્જે કર્યું છે. 2-2 લાખ રૂપિયામાં નકલી લેખ ભૂમાફિયાઓને વેચવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે. હવે આ તપાસનો રેલો ભૂમાફિયાઓ સુધી પણ પહોંચી શકે છે.
તપાસમાં અનેક શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા
રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. આ આશંકાને આધારે રજીસ્ટ્રાર કચેરીએ પ્રદ્યુમ્નનગર પોલીસને જાણ કરી છે. જેને લઈને ખાનગી ફ્લેટના 9માં માળે આવેલા ફ્લેટમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ સાથે એવું પણ સામે આવ્યું છે કે, આ ખાનગી ફ્લેટના 9માં મળે કરવામાં આવેલ તપાસમાં અનેક શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા છે. શંકાસ્પદ દસ્તાવેજોને લઈને પોલીસ દ્વારા બંધ બારણે તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ હવે રજીસ્ટ્રાર કચેરીના કરાર આધારીત કર્મચારીની સંડોવણી હોવાની માહિતી સામે આવી રહી છે.