અમદાવાદ: અમદાવાદમાં ગઈ કાલે કેટલાક અસામાજિક તત્વોએ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આંબેડકરની મૂર્તિને ખંડિત કરી નાખી હતી. ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલીની બહાર અસામાજિક તત્વોએ ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાના નાકને તોડી નાખ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક રહીશોએ પોલીસને ઘટનાની જાણ કરતા ખોખરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રોષે ભરાયેલા ચાલીના રહીશો રસ્તા ઉપર જ ધરણા પર બેસી ગયા હતા. મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે હવે આ વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે.
અંગત અદાવતમાં પ્રતિમાને ખંડિત કરી
આ મામલે ખુલાસો થયો છે કે, બે સમાજ વચ્ચે ચાલતી તકરારની અદાવતમાં ડૉ. આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મેહૂલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રતિમા ખંડિત કરવા માટે એક્ટિવા પર ચાર લોકો આવ્યા હતા. હાલ, અન્ય આરોપીઓ અને આરોપીઓને આશ્રય આપનાર જયેશ ઠાકોરની તલાશ કરવામાં આવી રહી છે.
આજે ખોખરાની જયંતિ વકીલની ચાલીના લોકો ખોખરા વિસ્તારને બંધ કરાવવા માટે નીકળ્યા હતા. ખોખરા સર્કલ, હાઉસિંગ વિસ્તાર અને બાલભવન થઈ અને સમગ્ર વિસ્તારને બંધ કરાવવા માટે તેઓ દ્વારા તમામ દુકાનદારોને અપીલ કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન પોલીસ સાથે રહીને સ્થાનિક લોકોએ દુકાનો બંધ કરાવી રહ્યા હતા.
આ મામલે જુદી-જુદી 20 ટીમ ગુનાના ડિટેક્શનમાં લાગી છે. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર શકમંદની અટકાયત કરીને પૂછપરછ કરી હતી.
જીગ્નેશ મેવાણીએ રોષ ઠાલવ્યો
કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ મામલે ટ્વીટ દ્વારા રોષ ઠાલવ્યો છે. તેમાં ટ્વીટ કર્યું કે, અમિત શાહે બાબા સાહેબ આંબેડકરના અપમાન માટે હજુ સુધી માફી નથી અને સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જ્ઞાતિવાદી તત્વોએ મળીને બાબા સાહેબની પ્રતિમાને તોડવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે દેશના ગૃહમંત્રીને બાબા સાહેબ માટે કોઈ માન નથી, તો તેમના જેવી મનુવાદી વિચારસરણીમાં માનતા જ્ઞાતિવાદી ગુંડાઓ પણ આવી જ હરકત કરશે ને. અમે માગ કરીએ છીએ કે માત્ર FIR જ નહી પરંતુ 24 કલાકની અંદર આ તત્વોની ધરપકડ પણ થવી જોઈએ.