સાવધાન! મહાકુંભ મેળામાં બે દિવસમાં 11 ભક્તોને આવ્યો હાર્ટ એટેક, 2ની હાલત ગંભીર

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ સ્થળે વિશ્વના સૌથી મોટા માનવ મેળાવડા એવા મહાકુંભનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ ભાગ લેશે. ગંગા, સરસ્વતી અને યમુનાના પવિત્ર સંગમ સ્થળે શ્રદ્ધાળુઓ ડુબકી લગાવીને શાહી સ્નાન કરશે. પરંપરા મુજબ 12 વર્ષ બાદ આ મહાકુંભનું આયોજન થયું છે જેને પગલે અગાઉ કરતા વધુ લોકો શાહી સ્નાનનો લાભ લે તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશ સરકારને આશા છે કે 26મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં 35 કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લઇ શકે છે. પરંતુ આ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મહાકુંભ મેળામાં છેલ્લા બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ અટેક આવ્યો છે.

11 શ્રદ્ધાળુઓને હાર્ટ અટેક આવ્યો

આ કડકડતી ઠંડીમાં પહેલા બે દિવસમાં જ પવિત્ર સ્નાન કરવા આવેલા 11 શ્રદ્ધાળુઓને હાર્ટ અટેક આવ્યો છે જે ચિંતાનો વિષય છે. મેળા દરમિયાન પરેડ ગ્રાઉન્ડમાં ખુલેલી સેન્ટ્રલ હોસ્પિટલમાં 6 દર્દીઓને લાવવામાં આવ્યા હતા અને સેક્ટર-20 સ્થિત સબ-સેન્ટર હોસ્પિટલમાં 5 દર્દીઓને લાવવામાં આવ્યા હતા. બંને હોસ્પિટલમાં સારવાર બાદ 9 દર્દીઓને રાહત મળી ગઈ છે અને તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

બે ગંભીર દર્દીઓને SRN હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા

બે દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને SRN હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જોકે, રવિવારે મેળા દરમિયાન ખુલેલા સેન્ટ્રલ હોસ્પિટલના 10 બેડના ICU વોર્ડ હાર્ટ અટેકના દર્દીઓથી ભરેલો હતો. હોસ્પિટલના ડોક્ટરોએ મહાકુંભમાં આવતા ભક્તોને પવિત્ર સ્નાન દરમિયાન સ્નાન કરતી વખતે સાવચેત રહેવા અને સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખવાની સલાહ આપી હતી. ભક્તોને ઠંડીથી બચવા માટે કહેવામાં આવ્યું છે.

ડોક્ટરે આપી આ સલાહ

ડોક્ટરોનું કહેવું છે કે, શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ગાઢ ધુમ્મસ છે અને ઉપરથી ગંગાનું પાણી ઠંડુ છે. આવી સ્થિતિમાં વહેલી સવારે ધુમ્મસમાં આવા ઠંડા પાણીમાં સ્નાન કરવાથી શરીરની નસો થીજી શકે છે, જેના કારણે બ્લડ સર્ક્યુલેશનમાં વિક્ષેપ પડે છે, જેની શરીર પર ખરાબ અસર પડી શકે છે. તેથી જ્યારે પણ તમને છાતીમાં બળતરા અને દુખાવો થાય, છાતી પર દબાણ અનુભવાય અથવા શ્વાસ લેવામાં તકલીફ પડે, તમારા હાથ-કમર માં દુખાવો થાય તો તરત જ ડોક્ટર પાસે જવું, આ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!