બાંગ્લાદેશ વગર ભારતનો નકશો શક્ય નથી: વણસી રહેલા સંબંધો પર બોલ્યા મોહમ્મદ યુનુસ

 નવી દિલ્હી: એક સમયે ગાઢ રહેલા ભારત-બાંગ્લાદેશના સંબંધો હાલમાં ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ગત વર્ષે ઓગસ્ટમાં શેખ હસીનાની હકાલપટ્ટી બાદ બંને દેશો વચ્ચેની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને બંન્ને દેશો વચ્ચેના સબંધોમાં ખટાશ આવી ગઈ છે. વડા પ્રધાન પદ છોડ્યા બાદ શેખ હસીના ભારત ભાગી આવ્યા છે અને મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની સત્તા સંભાળી છે. ત્યારબાદથી જ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો ખૂબ વણસી ગયા છે.

બાંગ્લાદેશ વગર ભારતનો નકશો શક્ય નથી

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં કહ્યું કે, બાંગ્લાદેશ સાથે ભારતના વણસી રહેલા સંબંધોથી તેમને વ્યક્તિગત રીતે નુકસાન થયું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, બાંગ્લાદેશ-ભારત સંબંધો શક્ય તેટલા ગાઢ હોવા જોઈએ. તમે જાણો છો? બાંગ્લાદેશનો નકશો દોર્યા વિના તમે ભારતનો નકશો બનાવી જ નથી શકતા.

ચીનના ભરપૂર વખાણ કર્યા

મોહમ્મદ યુનુસે ચીન વિશે કહ્યું કે, ચીન બાંગ્લાદેશને ટેકો આપી રહ્યું છે. આવા મુશ્કેલ સમયમાં બાંગ્લાદેશને ટેકો આપનાર માત્ર ચીન જ છે. છેલ્લા ત્રણ મહિનામાં બાંગ્લાદેશમાં ફુગાવો ખૂબ જ વધ્યો છે અને આવી સ્થિતિમાં પાડોશી દેશ ચીન તરફ નજર કરી રહ્યા છે.

વચગાળાની સરકારે VATમાં વધારો કર્યો છે, આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે દેશ સતત ત્રણ મહિનાથી ઊંચા ફુગાવાનો સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત ખાદ્ય ફુગાવાનો દર પણ 13%ની આસપાસ છે. બાંગ્લાદેશી સરકાર દાવો કરી રહી છે કે, વધેલા VATથી લગભગ 12 હજાર કરોડ રૂપિયાની આવક થશે.

શેખ હસીના પર ફરી સાધ્યુ નિશાન

મોહમ્મદ યુનુસે શેખ હસીના સરકાર દરમિયાન બાંગ્લાદેશના અર્થતંત્રમાં આવેલી તેજીને નકલી ગણાવી. તેમણે કહ્યું કે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાની સરકાર દરમિયાન દેશની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ થવાના દાવા ‘નકલી’ છે. આખી દુનિયા બાંગ્લાદેશની આ પરિસ્થિતિ માટે જવાબદાર છે. આ દુનિયા માટે પણ એક પાઠ છે. તે કહેતી હતી કે આપણો વિકાસ દર શ્રેષ્ઠ છે, આ બધું સંપૂર્ણપણે નકલી હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!