અમદાવાદ: રાજ્યમાં સતત અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે અમદાવાદમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના બની છે. અમદાવાદના શેલા વિસ્તારમાં એક અજાણ્યા કાર ચાલકે ડિલિવરી બોયને અડફેટે લીધો હતો. આ ગંભીર અકસ્માતમાં મોપેડ પર જઈ રહેલા 26 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું.
ટક્કર મારી કાર ચાલક ફરાર
ગઈ કાલે રાત્રે 11:00થી 12:00 વાગ્યા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. મોપેડને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી થાર કારે ટક્કર મારી હોવાનો પરિજનોએ આરોપ લગાવ્યો છે. આ કારચાલકે એટલી ભયાનક ટક્કર મારી હતી કે, વાહનચાલક ફંગોળાઈને દૂર પટકાયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું છે. યુવકના પરિવારજનોએ દાવો કર્યો છે કે, GJ01WS1791 નંબરની કારે અમારા પુત્રના વાહનને ટક્કર મારી હતી. જો કે તેમના આ દાવાની પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ ઘટનાસ્થળની આજુબાજુના CCTV કેમેરાની તપાસ કરી રહી છે.
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો હોવાના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે આ ઘટનાઓ વારંવાર ન બને તેને લઈને લોકો દ્વારા પોલીસ સમક્ષ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, હિટ એન્ડ રન અંગે નવો કાયદો અમલી બનાવાયો છે. તે હેઠળ રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહનચાલકને 10 વર્ષ સુધીની સજા તેમજ દંડની જોગવાઈ છે.