વડોદરા: વડોદરાના રણોલી GIDCમાં આવેલ શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસ રિફલિગનું કૌભાંડ ઝડપાયું છે. SOGના દરોડામાં ગેસ રીફીલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભારત ગેસ એજન્સીના કર્મચારીઓની આ કૌભાંડમાં સંડોવણી હોવાની વાત સામે આવી છે. ગેસની બોટલમાંથી કોમર્શિયલ પાઈપ વડે ગેસની ચોરી થતી હોવાનો ખુલાસો થયો છે. સુપરવાઇઝર અને ડ્રાઇવર સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એજન્સીના ગોડાઉનમાંથી 166 ગેસની બોટલ જપ્ત કરી છે.
વડોદરા SOGને બાતમી મળી હતી
વડોદરા SOGને બાતમી મળી હતી કે, રણોલી GIDCમાં આવેલા રાઘવ ઈન્ડસ્ટ્રીયલમાં આવેલ પ્લોટ નંબર-4માં ભારત ગેસ એજન્સીના ગોડાઉનના દીવાલોની આડમાં એજન્સીનો સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ અને ટેમ્પાના ડ્રાઇવરો તથા હેલ્પરો સહિતના લોકો ભેગા મળીને ટેમ્પોમાં ભરેલા ભારત ગેસના ઘરેલુ બોટલોના સીલ ખોલી પાઈપ દ્વારા ઇન્ડિયન ગેસ એજન્સીના કોમર્શિયલ ખાલી બોટલમાં થોડો-થોડો ગેસ ભરી રિફલિંગ કરી ગેસની ચોરી કરે છે. ત્યારબાદ બોટલોને ફરી સીલ કરી રી-પેકિંગ કરી ગ્રાહકોને બોટલો સપ્લાય કરે છે અને હાલમાં બાટલામાંથી ગેસ રિફલિંગની આ પ્રવૃત્તિ ચાલુ છે.
10 આરોપીઓની કુલ 7.26 લાખની મત્તાના મુદ્દામાલ સાથે ધરપકડ
બાતમીના આધારે વડોદરા SOGએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન જાણવા મળ્યું કે, શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના સંચાલક, સુપરવાઈઝર, ડ્રાઈવરો તથા હેલ્પરોએ પોત-પોતાના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું. આ દરોડા દરમિયાન 10 આરોપીઓની કુલ 7.26 લાખની મત્તાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.