અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કૌભાંડ સામે આવ્યા બાદ હવે AMC દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ અધિકારીઓને એક જ જગ્યા પર ત્રણ વર્ષ સુધી રહી શકશે નહીં. ત્રણ વર્ષ કર્મચારીઓ તેમજ અધિકારીઓની બદલી કરી દેવામાં આવશે. વર્ગ 1થી 3ના કર્મચારી તેમજ અધિકારીઓની બદલી કરી દેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ભરતી કૌભાંડને પગલે ભાજપની પ્રતિષ્ઠા ખરડાઈ હોવાનુ માનતા મ્યુનિસિપલ સત્તાધારી પક્ષના હોદ્દેદારોએ મોવડીમંડળની સલાહ લઈને કર્મચારીઓ અને અધિકારીઓની બદલી કરવાનો ઠરાવ કર્યો છે.આ ઠરાવમાં બદલી કરાયેલા કર્મચારી-અધિકારીને 6 વર્ષ સુધી તેની અગાઉની જગ્યાએ હાજર કરી ન કરી શકાઈ તેવી જોગવાઈ પણ કરવામા આવી છે.
જાણો સમગ્ર ભરતી કાંડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્નિકલ સુપરવાઈઝરની 93 પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા કરાઈ હતી. જેની પરીક્ષા ગત 18 ઓગસ્ટના રોજ યોજવામાં આવી હતી. જેમાં મનપાની સેન્ટ્રલ ઓફિસ ખાતે ફરજ બજાવતા પુલકિત સથવારા દ્વારા અમદાવાદના મોનલ પટેલ અને તમન્ના કુમારી પટેલ અને કડીના જય પટેલના પરિણામમાં છેડછાડ કરી હતી તેમને કટ ઓફ માર્કથી ઉપર માર્ક આપવામાં આવ્યા અને તેના આધારે આ તમામ ત્રણને પોસ્ટિંગ પણ આપી દેવામાં આવ્યું હતું. પરંતુ સમગ્ર પ્રકરણ સામે આવતા આ ત્રણેયને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ આ છેડછાડ કરનાર પુલકિતને સસ્પેન્ડ કરી તેની સામે ખાતાકીય તાપસ શરુ કરવામાં આવી છે. કારંજ પોલીસ મથકે પુલકિત સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.