અમદાવાદ: સમગ્ર દેશમાં બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે. સોશિયલ મીડિયાના ફાયદા છે તો તેના ગેરફાયદા પણ છે. સોશિયલ મીડિયાએ બાળકોની ઊંઘ હરામ કરી નાખી છે. ક્યાંકને ક્યાંક હવે પુસ્તકોનું સ્થાન સ્માર્ટ ફોને લઈ લીધું છે. ત્યારે હવે બાળકોમાં સ્માર્ટફોનનું અને સોશિયલ મીડિયાનું એડિક્શન ખૂબ જ વધ્યું છે ત્યારે રાજ્ય સરકાર સ્કૂલો માટે એક એડવાઈઝરી તૈયાર કરવા જઈ રહી છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વર્ણિમ સંકુલ -2 ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકીએ તે અંગે ગંભીર ચર્ચા કરી હતી.
સરકારે સૂચનો મંગાવ્યા
રાજ્ય સરકારે સ્કૂલો માટે એડવાઈઝરી તૈયાર કરવા માટે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રાથમિક શિક્ષણના અધિકારીઓ સાથે સરકારે મીટીંગ કરી હતી. આ ઉપરાંત તમામ અધિકારીઓથી માંડીને ચિલ્ડ્રન યુનિવર્સિટી પાસેથી આ માટે સરકારે સૂચનો મંગાવ્યા છે અને ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા સ્માર્ટફોનના એડિક્શનને લઈને થતા શૈક્ષણિક, માનસિક અને સામાજિક નુકસાન સંદર્ભ રિસર્ચ પણ કરવામાં આવશે.
ગાઈડલાઈન જાહેર કરાશે
રાજ્યમાં હાલમાં સ્કૂલોમાં ધોરણ એક થી 12ના બાળકોને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે અને કોલેજોમાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈ જઈ શકે છે પરંતુ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ફોન ચાલુ રાખવા પર મંજૂરી નથી. આ ઉપરાંત સ્કૂલોમાં ચાલુ ક્લાસમાં શિક્ષકો માટે મોબાઈલ વાપરવા પર પણ પ્રતિબંધ છે. સ્કૂલોમાં બાળકો મોબાઈલ લઈ જતા નથી પરંતુ કોરોનામાં ઓનલાઈન શિક્ષણ થતાં સ્માર્ટફોનનું એડિક્શન ખૂબ જ વધી ગયું છે અને પ્રી-પ્રાઈમરીથી લઈને ધોરણ આઠ સુધીના બાળકોમાં પણ સોશિયલ મીડિયાનું એડિક્શન જોવા મળી રહ્યું છે. હાલમાં નિયમો છે પરંતુ તેમ છતાં સ્કૂલોમાં બાળકો મોબાઇલ લઈને જતા હોય છે જેથી રાજ્ય સરકાર દ્વારા આ બાબતે એક ગાઈડલાઈન તૈયાર કરવાનું નક્કી કરાયું છે અને તેમાં આ અંગે કડક નિયમો બનાવવામાં આવશે.
સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો
રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, બાળકોનો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે, બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછુ કરે અને રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે જેમાં શિક્ષકોનો ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ, અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન જઈ શકે તે માટે કડક પગલા લેવામાં આવશે.