ગરમીના પ્રકોપ વચ્ચે રાહતના સમાચારઃ મે મહિનામાં પડી શકે છે આંધી વંટોળ સાથે વરસાદ

ગુજરાતમાં અત્યારે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. જોકે, બે દિવસથી ગરમીમાં એક-બે ડિગ્રીનો ઘટાડો થતાં લોકોને અસહ્ય ગરમીમાંથી નજીવી રાહત મળી છે. ગરમીના પ્રકોપથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગુજરાતના લોકો માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે.

અંબાલાલ પટેલ પ્રમાણે રાજ્યમાં ગરમીનું જોર ઘટવાની અને આગામી દિવસોમાં વાતાવરણમાં મોટા પલટા આવવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હવે ગુજરાતમાં આકરી ગરમીમાંથી મુક્તિ મળશે. મધ્ય ગુજરાતમાં જે તાપમાન અત્યારે ઊંચું છે, તે ઘટીને 41-42 ડિગ્રી થશે અને ત્યારબાદ ધીમે-ધીમે 40 ડિગ્રીની આસપાસ સ્થિર થશે.

ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ ઘટતા પારો 41-42 ડિગ્રી આસપાસ રહેશે. આ ઉપરાંત જૂનાગઢ, ભરૂચ અને મહીસાગર જિલ્લાઓમાં પણ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. જોકે, દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ પવનોને કારણે ભેજનું પ્રમાણ વધશે, જેનાથી લોકોએ ઉકળાટ સહન કરવો પડી શકે છે. મે મહિનાના મધ્યમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાનમાં આંશિક વધારો થવાની પણ શક્યતા છે.

રાજ્યમાં વરસાદી માહોલ અંગે આગાહી કરતા તેમણે જણાવ્યું કે, 6થી 12 મે દરમિયાન ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને 11થી 20 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ અને તીવ્ર આંધી-વંટોળ આવવાની શક્યતા છે. 23 મેના રોજ પણ અણધાર્યો વરસાદ પડવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે 15 મે બાદ અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય થશે. મે મહિનાના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. આ વર્ષે અરબ સાગર વધુ સક્રિય રહેવાનો હોવાથી 8 જૂન બાદ ત્યાં પણ વાવાઝોડું આકાર લઈ શકે છે.

ચોમાસાના પગરણ વિશે જણાવતા તેમણે કહ્યું કે, 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદ શરૂ થઈ જશે. 1 જૂન સુધીમાં દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા છે.

આમ, અંબાલાલ પટેલની આગાહી અનુસાર જોઇએ તો, મે મહિનો ગુજરાત માટે ગરમી, પવન અને ક્યાંક વરસાદી માહોલનો મિશ્ર અનુભવ કરાવનારો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!