હૈદરાબાદમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનના જુબલી હિલ્સ સ્થિત ઘરની બહાર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કેસમાં JAC નેતાઓ પર તોડફોડનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે JACના નેતાઓની અટકાયત કરી છે.
આ મામલો ત્યારે વધુ વણસી ગયો જ્યારે પ્રદર્શન બાદ ત્યાં હાજર કેટલાક અજાણ્યા લોકો બળજબરીથી અભિનેતાના ઘરના પરિસરમાં ઘૂસી ગયા અને તોડફોડ શરૂ કરી દીધી હતી.
હૈદરાબાદ પોલીસનું નિવેદન
આ મામલે હૈદરાબાદ પોલીસનું નિવેદન આવ્યું છે. જુબલી હિલ્સ પોલીસ સ્ટેશને જણાવ્યું કે, ઉસ્માનિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલી સમિતિ JACના 6 સભ્યોએ આ હુમલો કર્યો છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
અલ્લુ અર્જુને ચાહકોને કરી હતી આ અપીલ
તમને જણાવી દઈએ કે, આજે જ અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને તેના ચાહકોને અપીલ કરી હતી કે તેઓ ઓફલાઈન કે ઓનલાઈન કોઈની સાથે અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરે. તો બીજી તરફ ગઈ કાલે તેણે પીસી કરીને કહ્યું હતું કે હું હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલા અકસ્માતથી દુઃખી છું. તેણે એમ પણ કહ્યું હતું કે મારું ચરિત્ર હનન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.