અમદાવાદ: નવું વર્ષ 2025 હવે થોડા જ દિવસોમાં શરૂ થઈ રહ્યું છે. થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષ દરમિયાન દારૂની હેરફેર વધી જાય છે. આ સમય દરમિયાન દારૂ અને બિયરની માગ વધી જાય છે. અમદાવાદ શહેરમાં આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. સુચના આપવામાં આવી છે કે અગાઉ પોલીસ દરોડા પડ્યા હોય તે હોટલો, ફાર્મ હાઉસ તેમજ ઝડપાયેલા આરોપીઓ પર વોચ રાખવી. ત્યારે હવે સઘન પોલીસ ચેકિંગ વધી જતા બુટલેગરોએ દારૂ અને બિયરની માગને પહોંચી વળવા માટે નવો કિમિયો અપનાવ્યો છે. બુટલેગરોએ દારૂની સપ્લાય કરવા માટે ફૂડ ડિલીવરી બોયને મોટા પ્રમાણમાં એક્ટિવ કર્યા છે. બુટલેગરો તેમને એક બોટલ સપ્લાય કરવા પર 50થી 100 રૂપિયા સુધીનું કમિશન આપી રહ્યા છે.
અમદાવાદમાં હાલમાં મોટા પ્રમાણમાં દારૂની સપ્લાય શરૂ થઇ ગઈ છે જેમાં ફૂડ સપ્લાય કરતા યુવકોને પણ ફુડ ડિલેવરીના નામે દારુ સપ્લાય માટે મોકલવામાં આવી રહ્યાં છે.
બુટલેગરો પાસે મોટા પ્રમાણમાં ઓર્ડર
નવા વર્ષની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં વિદેશી દારૂની ડિમાન્ડ બમણી થઈ છે. જેમાં બ્રાંડેડ વિદેશી દારૂ અને બિયર સપ્લાય કરતા બુટલેગરો પાસે મોટા પ્રમાણમાં ઓર્ડર આવ્યા છે. આ ઓર્ડરને પહોંચી વળવા માટે બુટલેગરોએ નવો કિમિયો અપનાવીને ફૂડ ડિલીવરી બોયને એક્ટિવ કર્યા છે. જેમાં તેમને દારૂની એક બોટલ સપ્લાય કરવા પર 50 થી 100 સુધીનું કમિશન આપી રહ્યા છે.
દારૂની બોટલમાં 500થી 1000 રૂપિયાનો વધારો
પોલીસ ટુ વ્હીલર પર દારૂની સપ્લાય કરતા શંકાસ્પદ યુવકોને ઝડપી લેવા માટે સક્રિય થતા બુટલેગરોએ ફુડ સપ્લાય કરતા વિવિધ ફુડ ચેઇનમાં કામ કરતા યુવકોને દારૂની ડિલીવરી કરવાની કામગીરી સોંપી છે જેમાં તેમનું કમિશન પ્રતિબોટલ 150 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. જોકે, શહેરના સેટેલાઇટ, પ્રહલાદનગર, બોડકદેવ, થલતેજ, બોપલ, મકરબા, વૈષ્ણોદેવી, શાહીબાગ જેવા પોશ વિસ્તારોમાં જ ફુડ સપ્લાય સાથે જોડાયેલા યુવકોને કામગીરી સોંપવામાં આવી છે. ડિમાન્ડ વધારે હોવાથી દારૂની બોટલમાં 500થી 1000 રૂપિયાનો વધારો લઈને સપ્લાય શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત દારૂ સપ્લાય કરતા યુવકનું કમિશન પણ બોટલની કિંમતમાં ઉમેરવામાં આવી રહ્યું છે.