નવસારી: ગુજરાતમાં નકલીઓની બોલબાલા છે. ત્યારે વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. ગુજરાતમાં નકલી પોલીસ, નકલી વકીલ, નકલી શિક્ષક, નકલી અધકારીઓ, બોગસ ડૉક્ટર અને નકલી PMO અધિકારી બોગસ સરકારી કચેરી, અને બોગસ ટોલબૂ ની બોલબાલા વચ્ચે હવે રાજ્યમાંથી નકલી CMO અધિકારી ઝડપાયો છે. નવસારી જિલ્લામાં જમીનના કામોના પતાવટ માટે પ્રાંત અધિકારીને ફોન કરનાર નકલી અધિકારી ઝડપાયો છે. ‘મુખ્યમંત્રી કાર્યાલયથી બોલું છું’ ગણેશ સિસોદ્રા ગામની જમીનના અરજદાર મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરવા આવી છે તેનું કામ પતાવી આપજો તેમ કહી પ્રાંત અધિકારી સાથે વાતચીત કરી હતી.
આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
છેલ્લા 20 વર્ષથી નકલી CMO અધિકારી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતો હોવાનું જુઠ્ઠાણું ફેલાવીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. નકલી CMO અધિકારી બનીને ફરતો આ વ્યક્તિ બારડોલીનો હોવાની માહિતી મળી છે. સમગ્ર મામલે નવસારી રૂરલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી.
નકલી અધિકારીનો ભાંડો ફૂટ્યો
નિતેશ ચૌધરી પોતે CMOના અધિકારી તરીકેની ઓળખ આપીને છેલ્લા ચારેક મહિનાથી નવસારીના પ્રાંત અધિકારી સાથે વાતચીત કરતો હતો. આ દરમિયાન તેણે પ્રાંત અધિકારીને એક જમીન પર કબજાના કેસ વિશે જાણકારી આપી હતી અને 40 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો છે. આ બાબતની જાણકારી માંગી હતી. જો કે પ્રાંત અધિકારીને શંકા જતાં તેમણે તપાસ હાથ ધરતા નકલી અધિકારીનો ભાંડો ફૂટી ગયો હતો.
છેલ્લા 20 વર્ષથી CMOનો નકલી અધિકારી બનીને ફરતો હતો
બારડોલી તાલુકાના મઢી ગામનો નિતેશ ચૌધરી છેલ્લા 20 વર્ષથી CMOનો નકલી અધિકારી બનીને ફરતો હતો. નિતેશ ચૌધરીએ પોતે CMOના અધિકારી તરીકેની ઓળખ આપીને નવસારીના નાયબ કલેક્ટર દેવાંગ ઠાકોર સાથે 23 ઓક્ટોબર 2024 થી 02 જાન્યુઆરી 2025 સુધી ટેલિફોનિક વાતચીત કરીને અલગ-અલગ કામોની સોંપણી કરી હતી અને કામને લગતી માહિતી પણ માગી હતી. જો કે, દેવાંગ ઠાકોરને શંકા જતા તેમણે આ સમગ્ર મામલે વધુ તપાસ કરી હતી. જેમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં આવો કોઈ અધિકારી ન હોવાનું સામે આવ્યું અને આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ દેવાંગ ઠાકોરે CMOના નકલી અધિકારીની ઓળખ આપનારા નિતેશ ચૌધરી વિરુદ્ધમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીની ધરપકડને વધુ તપાસ હાથ ધરી છે જેમાં હવે મોટા ખુલાસા થઈ શકે છે.