રાજકોટ સિવિલમાં દર્દીનો રઝળપાટ: ઇમરજન્સી વોર્ડ બહાર દર્દી હાથમાં બોટલ લઈ સ્ટ્રેચર પર સૂતેલો નજર આવ્યો

રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલ દર્દીઓની સારવારને લઈને ફરી એક વખત વિવાદમાં ઘેરાઈ છે. એક તરફ તંત્ર મોટા-મોટા દાવાઓ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ દર્દીઓની હાલાકી સામે આવી રહી છે. અગાઉ પણ ઘણી વખત દર્દીઓ હાલાકી ભોગવતા હોવાનું સામે આવી ચૂક્યું છે. ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી છે, જેમાં સિવિલ હોસ્પિટલની લોબીમાં એક દર્દી પોતાને ચડતી બોટલ હાથમાં લઈને સ્ટ્રેચર પર સૂતેલો નજર આવી રહ્યો છે.

ઇમરજન્સી વોર્ડ બહાર દર્દી હાથમાં બોટલ લઈ સ્ટ્રેચર પર સૂતો

રાજકોટ સિવિલના ઈમર્જન્સી વોર્ડમાં સિવિલ હોસ્પિટલમાં દર્દી હાથમાં બોટલ લઈને સ્ટ્રેચર પર સૂતેલો હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, ફોટો 4-5 દિવસ પહેલાનો અને સિવિલના ઇમર્જન્સી બોર્ડનો છે. જો કે, બીજી તરફ સિવિલ અધિક્ષકે આજે જ પોતાને આ અંગે જાણ થઈ હોવાનું અને આવી ગંભીર બાબતે જવાબદારોને સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

જે પણ કર્મચારીની બેદરકારી સામે આવશે તેની સામે કડક પગલાં લેવાશે

રાજકોટ સિવિલ હોસ્પિટલના RMO હર્ષદ દુસરાએ જણાવ્યું કે, ‘આ ખૂબ જ ગંભીર બાબત છે અમે CCTVના માધ્યમથી આ અંગેની તપાસ કરી રહ્યા છીએ અને જે પણ કર્મચારીની બેદરકારી સામે આવશે તેની સામે કડક પગલાં લેવાશે. સોશિયલ મીડિયા દ્વારા આ ફોટો અમારા ધ્યાનમાં આવ્યો છે, જેમાં દર્દી પોતે જ હાથમાં બોટલ પકડીને સ્ટ્રેચર પર સૂતો હોવાનું નજર આવી રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટીએ જોતા આ ફોટામાં નજર આવી રહેલી જગ્યા ઇમર્જન્સી વોર્ડ હોવાનું લાગી રહ્યું છે. જોકે આ ઘટના ક્યારની છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આ બાબતે ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. એક અઠવાડિયાના સીસીટીવી ફૂટેજ ની ચકાસણી કરવામાં આવી રહી છે અને જો સિવિલ હોસ્પિટલના કોઈપણ કર્મચારી ની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!