નવી દિલ્હી: આજે દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન છે. આખી દુનિયા આજે આંગળીના ટેરવે ચાલી રહી છે. વ્યક્તિને દુનિયાના કોઈપણ ખૂણા સાથે જોડતું સોશિયલ મીડિયા એક સમયે આશિર્વાદરૂપ હતું, પરંતુ હવે વિશેષરૂપે બાળકો પર તેની વિપરિત અસરો સામે આવી રહી છે. બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. એક તરફ સોશિયલ મીડિયાના ફાયદા છે તો બીજી તરફ તેના ગેરફાયદા પણ છે. હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે ફરજિયાત માતા-પિતાની સંમતિ લેવી પડશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ (DPDP) નિયમો માટે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે. 18મી ફેબ્રુઆરી સુધી મળેલા વાંધા-સૂચનોના આધાર પર બેઠકમાં ફેરફાર કરવામાં આવશે અન્યથા ચાલુ રાખવામાં આવશે. ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ 2023માં સંસદમાં મંજૂર થયાના 14 મહિના પછી સરકારે હવે તેનો ડ્રાફ્ટ ઘડી કાઢ્યો છે.
લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી
પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન નિયમોની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. સરકારે હવે આ ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે, ડ્રાફ્ટમાં નિયમોના ઉલ્લંઘન પર કોઈ શિક્ષાત્મક કાર્યવાહીનો ઉલ્લેખ નથી. હવે સરકારે નિયમો જારી કરવા અંગે લોકો પાસેથી અભિપ્રાય માગ્યા છે. આ અંગે અંતિમ નિર્ણય 18 ફેબ્રુઆરી પછી લેવામાં આવશે. જેમાં લોકોના અભિપ્રાયને ધ્યાને લેવામાં આવશે. આ સાથે નિયમોનું પાલન ન કરનાર કંપનીઓ પર દંડ પણ વસૂલવામાં આવશે.
250 કરોડ રૂપિયા સુધીનો દંડ લગાવવાની જોગવાઈ
આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ-2023ની કલમ 40ની પેટા-કલમ (1) અને (2) ની શક્તિઓનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે કાયદાના અમલમાં આવવાની તારીખ અથવા તેના પછી બનાવવામાં આવનાર પ્રસ્તાવિત નિયમોનો ડ્રાફ્ટ લોકોની માહિતી માટે જારી કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે આ ડ્રાફ્ટ નિયમો પર 18 ફેબ્રુઆરી 2025 પછી વિચારણા કરવામાં આવશે. આ નિયમમાં ડેટા ફિડ્યુશિયરી પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ લગાવવાની જોગવાઈ છે.