પાટણમાં ‘પુષ્પા’ : આંધ્ર પ્રદેશથી લાલ ચંદનનો કરોડનો જથ્થો ગુજરાત કેવી રીતે આવ્યો?

પાટણમાં રક્તચંદનની તસ્કરીનો પર્દાફાશ થયો છે. આંધ્ર પ્રદેશથી ચોરાયેલા આશરે 4 કરોડની કિંમતના લાલ ચંદનનો જથ્થો પાટણથી ઝડપાયો છે. આ મામલે પાટણ પોલીસની સાથે આંધ્ર પ્રદેશની પોલીસે કાર્યવાહી કરી 3 તસ્કરોની અટકાયત કરી છે.

પાટણના સિદ્ધપુર હાઈવે પર આવેલા શ્રેય ગોડાઉનના 70 નંબરના પ્લોટમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા બે કરોડની કિંમતનો 4 ટન વજનનો પ્રતિબંધિત લાલ ચંદનના લાકડાનો જથ્થો જપ્ત કરી પાટણ, મહેસાણા અને ડીસાના ત્રણ શખસોને દબોચી લીધા હતા.

આંધ્ર પ્રદેશના રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ દ્વારા લાલ ચંદનની ગેરકાયદેસર તસ્કરી કરવા બાબતે પાટણ પોલીસને ઇનપુટ મળ્યા હતા. જેના આધારે પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે લાલ ચંદનની તસ્કરી સંદર્ભે ટીમની રચના કરી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસીસ કરતાં પ્રાપ્ત માહિતી અન્વયે પરેશ કાંતીજી ઠાકોર , હંસરાજ વીરાજી જોષી તથા ઉત્તમ નંદકિશોરભાઇ સોનીની અટકાયત કરવામાં આવી હતી.

આરોપીઓએ આશરે 3 થી 4 મહિના અગાઉ ગાડીમાં શાકભાજીની આડમાં લાલ ચંદનની તસ્કરી કરી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પ્રતિબંધિત લાલ ચંદનનો જથ્થો પાટણના સિદ્ધપુર હાઈવે પર આવેલા ગોડાઉનમાં રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

આ લાલ ચંદનને મલેશિયા અને ચાઇના જેવા દેશોમાં સંપર્ક કરી એક્સ્પોર્ટ કરવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું હતું. એલસીબીએ ત્રણેય આરોપીઓ સામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા મુજબ અટકકરી વધુ કાર્યવાહી માટે પાટણ સીટી બી ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા.

આ ત્રણેય આરોપીઓએ અગાઉ આવી ચંદનની તસ્કરી કરી છે કે કેમ, અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે લાલ ચંદનની હેરાફેરી અંગેનો ગુનો ચિરૂપતી પોલીસ મથકે નોંધ્યા હોવાથી આંધ્રપ્રદેશ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા આરોપીઓના ટ્રાન્સીઝીસ્ટ રિમાન્ડ મેળવી લાલ ચંદન તસ્કરીના ગુનામાં કાર્યવાહી કરાશે. આંધ્રપ્રદેશના જંગલમાંથી આ લાલ ચંદન આશરે દોઢથી બે કરોડમાં લાવવામાં આવ્યું હતું. જોકે જે ત્રણ આરોપીઓ પકડાયા છે તેમાંથી એક આરોપીએ આ લાલ ચંદન ખરીદવા રૂપિયા પુરા પાડવાની મદદગારી કરી છે.

ચંદનની દાણચોરીનો પ્લાન કેવી રીતે ઘડ્યો?
લાલ ચંદનની દાણચોરીમાં પકડાયેલા ત્રણ આરોપીમાંથી એક આરોપીના પ્રેમ લગ્ન આંધ્રપદેશની મહિલા સાથે થયા છે. જેના કારણે આ આરોપીને આંધ્ર પ્રદેશમાં લાલ ચંદનની તસ્કરીનો પ્લાન બનાવવા તેમજ સ્થાનિક તસ્કરો સાથે સંબંધ બનાવવા માટે આંધ્ર પ્રદેશની સ્થાનિક ભાષામાં સરળતા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *