ગુજરાતની 9 નગર પાલિકાને મળ્યો મહાનગર પાલિકાનો દરજ્જો, જાણો શું થશે ફાયદો!

અમદાવાદઃ ગુજરાત સરકારે નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાતીઓેને ભેટ આપી છે. રાજ્ય સરકારે 9 નગરપાલિકાને મહા નગરપાલિકાની મંજૂરી આપી છે, જેમાં મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ, નડિયાદ, પોરબંદરને મનપા તરીકે મંજૂરી આપી છે. આજે કેબિનેટ બેઠક હતી તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે

નવા વર્ષના પ્રથમ દિવસે પહેલી જાન્યુઆરીએ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં નવ નગરપાલિકાને મહા નગરપાલિકા તરીકે મંજૂરી અપાવામાં આવી છે. મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને હવે મહા નગરપાલિકાનો દરજ્જો અપાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ નગરોના રહેવાસીઓની માગ હતી, જેથી લોકોમાં ખુશીનો માહોલ છે.

નવા અધિકારીઓની સંભવિત નિમણૂંક સહિતની વહીવટી પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દીધી છે. એવી માહિતી પણ મળી છે કે, હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાપાલિકા વિસ્તારમાં સમાવી લેવામાં આવશે. નવી મહાપાલિકાને વિકાસ કાર્યો માટે નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ ફાળવવામાં આવનાર છે.

રાજયમાં પહેલા બનેલી પાલિકાની વાત કરવામાં આવે તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, ભાવનગર આટલી પાલિકા હાલમાં કાર્યરત છે. ગુજરાતનો વિકાસ દિવસેને દિવસે થઈ રહ્યો છે, જેમાં તાલુકા વધવા લાગ્યા અને વસ્તી વધવા લાગી તેમ સરકાર પણ નિર્ણય લઈ રહી છે. નવી કોર્પોરેશન બનશે એટલે વિવિધ વિકાસશીલ પાયાની જરૂરીયાતો પણ પૂર્ણ થશે.

ગુજરાતમાં મનપાનો ઇતિહાસ
ગુજરાતની સ્થાપના(1 મે, 1960) થઈ ત્યારે અમદાવાદમાં પણ મ્યુનિસિપાલિટી હતી, પણ અમદાવાદની વધતી જતી વસતિ અને વધતી જરૂરિયાતોને ધ્યાને રાખી અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજકોટ અને એ પછી ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર કોર્પોરેશનની રચના કરવામાં આવી હતી. કોર્પોરેશનની રચનાનું મૂળ કારણ શહેરીકરણ છે. સામાન્ય રીતે ગુજરાત સરકારે કોર્પોરેશનની રચના કરવા માટે કોઈ ચોક્કસ નીતિ-નિયમો નથી બનાવ્યા, પરંતુ જે શહેર કે વિસ્તારની વસતિ 2 કે અઢી લાખ કરતાં વધુ હોય અને આસપાસનાં ગામ સુધી શહેર વિસ્તરી ગયા હોય ત્યારે આ ગામડાને જોડી એક કોર્પોરેશન વિસ્તાર બનાવવો એવી વાત હાલ ચાલી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવા માટે ખાસ કરીને વિસ્તાર અને વસતિ ધ્યાનમાં રાખવામાં આવે છે.

મનપા પાસે વધુ સત્તા
નગર પાલિકા કરતા મહાનગર પાલિકા પાસે સત્તા વધુ હોય છે. મ્યુનિસિપલ કમિશનર પાસે બહુ બધી સત્તા હોય છે, અત્યારે નગરપાલિકાનો વહીવટ ચીફ ઓફિસર કરે છે. પરંતુ મનપા બનવાથી તેનો વહીવટ મ્યુનિ.કમિશનર કરશે. કોર્પોરેશન બન્યા બાદ શહેરમાં બાંધકામ અને BUની પરમિશન મનપા આપે. સરકારની અન્ય સહાય પણ વધારે મળતી હોય છે. સુવિધાઓ આપવા રેવન્યૂ વધુ પણ મેળવવા પ્રયાસ થતા હોય છે. ટેક્સસનની રિકવરી અને પાર્કિંગ નિયમોનું પાલન પણ વધુ સારી રીતે થઈ શકે છે.

શહેરજનોએ ચુકવવો પડશે વધુ ટેક્સ
કોર્પોરેશનમાં નગરપાલિકા કરતાં વેરા વધારે હોય છે. આવક માટેના મુખ્ય સ્ત્રોત ઘરવેરો, પાણીવેરો, સફાઈવેરો હોય છે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવી વેચાણ પાત્ર પ્લોટનું વેચાણ કરી ટીપી સ્કીમ ડેવલપ કરાય છે. આ સિવાય રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે. મનપાએ આવી ગ્રાન્ટમાં 30 ટકા જ રકમ રોકવી પડે છે.

ક્યારે બને છે મહાનગરપાલિકા?
કાયદાના પ્રમાણે 3 લાખથી વધારે વસતિ થાય ત્યારે સરકાર મહાનગરપાલિકા બનાવી શકે છે, કેટલાક કિસ્સામાં આસપાસનાં ગામ જોડીને પણ મહાનગરપાલિકા બનાવી શકાય છે. અત્યારે એન્ટિટી નગરપાલિકા એ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 પ્રમાણે સંચાલિત થતી નગરપાલિકા છે. પ્રમુખને બદલે મેયર, ચીફ ઓફિસરની જગ્યાએ કમિશનર અને સાથે-સાથે મેયર, ડેપ્યુટી મેયર સહિતની જગ્યાઓ મહાનગર પાલિકામાં વધે છે. ચીફ ઓફિસર કક્ષાએ ટેક્નિકલ મહેકમ નથી હોતો. પણ કમિશનરના તાબા હેઠળ ટેક્નિકલ મહેકમ હોય છે, જેથી વહીવટ સારી રીતે થઈ શકે છે. કોર્પોરેશન થવાથી પ્લાન્ડ ડેવલપમેન્ટ, શહેરોનો વિકાસ અને ગટર-પાણી-રસ્તાની સારી સુવિધા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *