વડોદરાની IOCLમાં 40 દિવસમાં બીજી વખત લાગી આગ, કંપનીની ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો

વડોદરા: વડોદરાની IOCLમાં 40 દિવસમાં જ બીજી વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે સાંજે ગુજરાત રિફાઈનરીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. રિફાઇનરી કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો અને પ્લાન્ટમાં આગ લાગી હતી. આ ઘટનાના પગલે પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે, કંપનીની ફાયર ટીમોએ જ આગ પર કાબુ મેળવી લીધો હતો. હવે મહત્વનું એ છે કે 40 દિવસ પહેલા લાગેલી આગનો રિપોર્ટ હજુ નથી આવ્યો ત્યાં જ બીજી વાર આગની ઘટના ઘટી છે. આ આગનું કારણ પણ હાલ અકબંધ છે.

વડોદરા નજીક આવેલ કોઈલી ગુજરાત રિફાઇનરીમાં થયેલ દુર્ઘટનામાં ટેન્ક બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં બે કર્મચારીઓના મોત નીપજ્યા હતા. આ સમગ્ર મામલે જિલ્લા કલેકટર એ તપાસના આદેશ આપ્યા હતા. હજુ તો આ ઘટના ભુલાઈ નથી અને આ ઘટના કયા કારણોસર બની હતી તે અંગેનો રિપોર્ટ પણ એજન્સીઓ દ્વારા આપવામાં નથી આવ્યો ત્યારે ફરી એક વખત આગની ઘટના સામે આવી છે.

આગની ઘટના બનતા આજુબાજુના ગ્રામજનો અને રાહદારીઓના જીવ અધ્ધર થઇ ગયા હતા. હજુ સુધી જાનહાનીની કોઈ માહિતી સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!