દ્વારકા: ગુજરાતમાં નકલી જજ, નકલી કોર્ટ, નકલી પોલીસ, બોગસ ડૉક્ટર, નકલી શાળા, નકલી ટોલનાકું, નકલી અધિકારીઓ, નકલી સરકારી કચેરીઓની ભરમાર વચ્ચે દેવભૂમિ દ્વારકામાં બનાવટી પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ પકડાયું છે. દ્વારકાના કલ્યાણપુરમાં બોગસ વિઝા-પાસપૉર્ટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. 9 ઈસમો દ્વારા અલગ-અલગ શહેરોમાં આ કૌભાંડનું રેકેટ ચલાવવામાં આવતું હતું. તલાટી પાસેથી ખોટી રીતે જન્મનો દાખલો મેળવી આ કૌભાંડ કરવામાં આવતું હતું. આ મામલે હવે SOGએ તલાટી મંત્રી સહિત 9 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. SOGએ પોરબંદર, વલસાડ, દમણ અને દ્વારકામાંથી તલાટી સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે.
સરકારી રેકર્ડ સાથે ચેડાં કર્યા
દેવભૂમિ દ્વારકામાં ગુનાહિત ઘટનાને અંજામ આપવા માટે આરોપીઓ સરકારી રેકર્ડ સાથે ચેડાં કરીને સાચી એન્ટ્રીઓનો નાશ કરી નવી એન્ટ્રી ઊભી કરતા હતા. આ ઘટનાની જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી. ત્યારબાદ પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા SOGએ કૌભાંડમાં સપડાયેલા તલાટી મંત્રી હાર્દિક રાવલીયાની ધરપકડ કરીને સમગ્ર મામલે પૂછપરછ કરી હતી. જેમાં પોરબંદરના એક વ્યક્તિનો જન્મનો દાખલો કાઢી આપ્યો હોવાના ખુલાસો થયો હતો.
આરોપીઓ યુકે જવા ઇચ્છતા લોકોની પસંદગી કરતા હતા
આ મામલે પોલીસે વધુ તપાસ કરતાં ખુલાસો થયો હતો કે, આરોપીઓ યુકે જવા ઇચ્છતા લોકોની પસંદગી કરતા હતા અને ત્યારબાદ યુકેમાં રહેતા પૉર્ટુગીઝ નાગરિકતા ધરાવતાં લોકોનો સંપર્ક કરાવીને નાણાકીય લેવડ-દેવડ કરતા હતા અને પછી તેમના ડૉક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં પાસપૉર્ટની અરજી કરનારા લોકોના ફર્સ્ટ નામમાં પોતાનું અને માતા-પિતાના નામમાં પૉર્ટુગીઝને વાલી તરીકે દર્શાવામાં આવતા હતા.