સુરતમાં 2.50 કરોડથી વધુની નકલી નોટ ઝડપાઈ, ત્રણ આરોપી પોલીસના સકંજામાં

સુરત: ડાયમંડ સિટી હવે ક્રાઈમ સિટી બની રહી હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. સુરતમાંથી બોગસ ડોક્ટરો બાદ હવે 2.50 કરોડથી વધુની નકલી નોટો ઝડપાઈ છે. સુરતની ડિંડોલી પોલીસે 3 આરોપીઓને નકલી નોટ સાથે ઝડપી પાડ્યા છે. સુરતના નિયોલ ચેક પોસ્ટ પાસેથી નકલી નોટોના બંડલ ઝડપાયા છે. સારોલી પોલીસે બાતમીના આધારે મુંબઈથી નકલી નોટોની ડિલિવરી આપવા આવેલા ત્રણ યુવાનોને 500 અને 200ની 63872 નોટોના 64 બંડલ સાથે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા યુવાનોએ જણાવ્યું કે, અમને મુંબઈના વિલેપાર્લેમાં એક વ્યક્તિ મળ્યો હતો જેણે અમને આ નકલી નોટોના બંડલો આપ્યા હતા. તેણે અમને આ બંડલોની ડિલીવરી સુરત રેલવે સ્ટેશને આપવાની વાત કહી હતી. પોલીસે જણાવ્યું કે આ મામલે હવે મુંબઈના અહેમદનગરના યુવાનની સંડોવણી સામે આવી છે જેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અઢી કરોડથી વધુની 500 અને 200ની નોટ જપ્ત

ભારતીય ચલણી નોટ સાથે આરોપીઓ નકલી નોટ મુકી દેતા હતા. બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને વચ્ચે નકલી નોટ રાખી છેતરપિંડી આચરતા હતા. આરોપી યુવાનો મુંબઈથી સુરત ડિલીવરી માટે આવી રહ્યા હતા. તે દરમ્યાન નિયોલ ચેક પોસ્ટ પાસેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓ પાસેથી અઢી કરોડથી વધુની 500 અને 200ની નોટ જપ્ત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સારોલી પોલીસ સ્ટેશના કોન્સ્ટેબલ વિપુલસિંહ અને વિલેશને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે શનિવારે સાંજે નિયોલ ચેક પોસ્ટ પાસેથી ચાલતા ચાલતા સુરત તરફ આવતા ત્રણ યુવાનો દત્તાત્રેય રોકડે, ગુલશન ગુગલે અને રાહુલ વિશ્વકર્માને ઝડપી પાડી તેમના પર શંકા જતાં પૂછપરછ કરી હતી. તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળ્યા હતા.

500ના દરની નોટોના 43 અને 200ના દરની નોટોના 21 બંડલ મળી આવ્યા

પોલીસે ત્રણેયની બેગની તપાસ કરતા તેમાંથી 500ના દરની નોટોના 43 અને 200ના દરની નોટોના 21 બંડલ મળી આવ્યા હતા. બેન્કમાંથી અપાતા બંડલમાં જે રીતે પારદર્શક પ્લાસ્ટીક વીંટાળેલું હોય છે તેવી જ રીતે મળેલા આ બંડલોને પોલીસે ચકાસતા તેમાં ઉપર અને નીચે 500 અને 200 રૂપિયાની અસલી નોટ હતી, જ્યારે વચ્ચે મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયાની નોટ મુકેલી હતી.

પોલીસે રૂપિયા 500ની અસલી 86 નોટ, રૂપિયા 200ની અસલી 42 નોટ, મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયાની 500ની 42914 અને 200ની 20958 નોટ કબજે કરી હતી. ત્રણેયની પુછપરછ કરતા દત્રાત્રેય રોકડેએ જણાવ્યું હતું કે, અહમદનગરના બુરડગાંવમાં રહેતા રાહુલ મહાદેવ કાલેએ અઠવાડિયા અગાઉ તેમનો સંપર્ક કરી સુરતમાં મોટી મોટી માર્કેટ આવેલી હોય ત્યાં રૂપિયા 500 અને 200 રૂપિયાની અસલ નોટ ઉપર અને નીચે મૂકી વચ્ચે નકલી નોટોના બંડલ તૈયાર કરી તેને સુરત રેલવે સ્ટેશન ખાતે આપવા કહ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *