વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદીમાં મોટું કૌભાંડ, ભાજપના મોટા માથાઓની સંડોવણી

અમદાવાદ: વિરમગામમાં ટેકાના ભાવે ખરીદાયેલ ડાંગરમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં ગુજરાતમાં ફરી એકવાર મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. મહત્વની વાત તો એ છે કે, આ સમગ્ર કૌભાંડમાં એક વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ છે. એક તરફ સત્તારુઢ સરકાર દ્વારા ગુજરાતમાં ભ્રષ્ટાચાર નિર્મૂળની મોટી-મોટી વાતો કહેવામાં આવે છે અને બીજી તરફ રાજ્યમાં અવારનવાર આવા કૌભાંડો સામે આવી રહ્યા છે.

આ સમગ્ર કૌભાંડમાં ભાજપના મોટા માથાઓની સંડોવણી હોવાના કારણે આ આખા કૌભાંડ પર ઠંડુ પાણી રેડી દેવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હવે આ સમગ્ર કૌભાંડ મુદ્દે હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશની દેખરેખ હેઠળ તપાસની માગ ઉઠી છે.

જથ્થાનું વેરિફિકેશન થતાં કૌભાંડનો પર્દાફાશ

વિરમગામ કેન્દ્ર પર તારીખ 20 નવેમ્બરથી લઈને 31 ડિસેમ્બર 2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. આ કેન્દ્ર પર ઓનલાઈન 3,35,524 ડાંગરના કટ્ટા દર્શાવવામાં આવ્યા હતાં પરંતુ જ્યારે મામલતદારે સ્થળ પર જઈને તપાસ કરી તો ત્યાં 2,24,609 ડાંગરના કટ્ટા પડયા હતાં. આ જોતાં 90,915 ડાંગરની બોરીઓ ગાયબ થઇ ગઇ હતી. ગાયબ ડાંગરના જથ્થાની કિંમત રૂ.3.76 કરોડ છે. ત્યારબાદ હવે 6 જાન્યુઆરી 2025ના રોજ ડાંગરના જથ્થાનું વેરિફેકિશન કરવામાં આવતાં ભાજપ સરકારનું આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.

294 ખેડૂતોને હજુ સુધી નાણાં ચૂકવાયાં નથી

કુલ મળીને 1,221 ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કર્યુ હતું જે પૈકી 927 ખેડૂતોને પૈસા ચૂકવાયા હતાં જ્યારે 294 ખેડૂતોને હજુ સુધી નાણાં ચૂકવાયાં નથી. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે આરોપ લગાવ્યો છે કે, પોર્ટલના આઇડીના માધ્યમથી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યુ છે. 31 ડિસેમ્બર 2024ના રોજ આ કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ વાતને એક અઠવાડિયુ વીતી ગયુ છે તેમ છતાં પોલીસે હજુ સુધી એકેય આરોપીને ધરપકડ નથી કરી. અમરેલી લેટરકાંડમાં ગણતરીના કલાકોમાં પાટીદાર દિકરીને પકડીને જાહેરમાં સરઘસ ફેરવનાર પોલીસને આ કૌભાંડીઓ પકડવામાં રસ નથી.

એક આરોપીની ધરપકડ નથી કરી

વિરમગામ મામલતદારે તપાસ કરીને 7 કૌભાંડીઓ સામે ફરિયાદ નોંધાવી છે. આશ્ચર્ય વચ્ચે હજુ સુધી 7 માંથી એક પણ આરોપીની પોલીસે ધરપકડ નથી કરી. બીજી તરફ એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડમાં જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો રૂ.20 કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *