- પૂરપાટ દોડતી અર્ટિગા કાર ટ્રકના પાછળમાં ઘૂસી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો
- કારમાં સવાર પરિવાર અજમેરથી મુંબઈ પરત ફરી રહ્યો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઇવે પર બારકોલ બ્રિજ પાસે અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યાં છે.
ભરૂચના અંકલેશ્વરના બાકરોલ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર પૂરપાટ દોડતી અર્ટિગા કાર ટ્રકના પાછળમાં ઘૂસી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર 7 લોકો પૈકી 3 ઘટનાસ્થળે જ મૃત્યુ પામી જતાં માહોલ ગમગીન બની ગયો હતો.
ભરૂચ: અંકલેશ્વર પાસે NH 48 મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગત રાતે સર્જાયો ગોઝારો અકસ્માત
પૂરપાટ ઝડપે ચાલતી અર્ટિગા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ; 7 પૈકી 3ના ઘટના સ્થળે કરુણ મૃત્યુ#Bharuch #Accident #Breaking #News pic.twitter.com/nm8QWyLwPc
— DD News Gujarati (@DDNewsGujarati) January 8, 2025
કારમાં સવાર અન્ય 4 લોકોની હાલત પણ ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. જેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
કારની ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અર્ટિગા કારની હાલત એવી થઇ ગઈ હતી કે જેને જોઈને કોઈને વિશ્વાસ જ ન થાય કે તેમાંથી કોઈનો જીવ બચ્યો હશે.
ઈજાગ્રસ્તોને બચાવવા માટે ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માત બાદ લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. હાલ આ મામલે પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસ અનુસાર કારમાં સવાર પરિવાર અજમેરથી મુંબઈ પરત ફરી રહ્યો હતો.