અમદાવાદ: ચીનમાં વર્ષ 2019ના અંતમાં ફેલાયેલા કોરોનાએ સમગ્ર વિશ્વને તેના ભરડામાં લઈ લીધું હતું. કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો. ત્યારે હવે પાંચ વર્ષ પછી ફરી એક વખત ચીનમાં હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આ બીમારીથી પીડિત લોકોથી ચીનની હોસ્પિટલો ઉભરાઈ રહી છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને પગલે ફરી એક વખત દુનિયામાં ભારે ગભરાટ ફેલાયો છે. HMPVએ ભારતમાં એન્ટ્રી કરી દીધી છે. આ વાઈરસના કેસો ભારત સહિત ગુજરાતમાં પણ નોંધાયા છે, ત્યારે રાજ્યમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. પ્રથમ કેસ અમદાવાદ અને હિંમતનગરના પ્રાંતિજમાં બીજો કેસ નોંધાયો હતો. ત્યારે હવે વધુ એક કેસ અમદાવાદના વસ્ત્રાપુરમાંથી સામે આવ્યો છે.
અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો
અમદાવાદ શહેરમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 80 વર્ષના વૃદ્ધને સારવાર અર્થે મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 8 જાન્યુઆરીના રોજ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. દર્દીને છેલ્લા કેટલાક સમયથી અસ્થમાની બીમારી હોવાની પણ માહિતી મળી રહી છે. દર્દીની વિદેશ કે અન્ય કોઈ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી નથી મળી. દર્દીના સેમ્પલને ચકાસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
દર્દીની હાલત સ્થિર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું કે, HMPV પોઝિટિવ આવેલા દર્દીની હાલત હાલમાં સ્થિર છે. તેમના સેમ્પલને સિવિલ હોસ્પિટલમાં તેમજ જીનોમ સીકવન્સ માટે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. અગાઉ ચાંદખેડામાં પોઝિટિવ આવેલા બે મહિનાના બાળકના સેમ્પલને પણ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
રાજ્ય સરકારની એડવાઈઝરી
ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરી પ્રમાણે હ્યુમન મેટાન્યૂમો વાઈરસ શ્વસન વાઈરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂ સામેલ છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાંત હવે RTPCR ટેસ્ટ ફરજિયાત કરાશે.