અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જન્મ-મરણ E-KYC માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટની જરૂર નહીં પડશે. અનેક લોકો એફિડેવિટને લઇને પરેશાન થતા હોવાની ફરિયાદ મળી રહી હતી. ત્યારે કમિશનરના પત્ર હોવા છતાં એફિડેવિટ કરાતા નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી હતી.
પિતાના નામ પાછળ ‘કુમાર’ કે ‘ભાઈ’ લખાવવા માટે એફિડેવિટની જરૂર નહીં પડે
AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ અંગે જણાવ્યું કે, આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં E-KYC માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય ભવન ખાતે રોજ 800થી 1000 અરજીઓ આવે છે. આ ઉપરાંત દરેક અર્બન હેલ્થ સેન્ટર ઉપર E-KYC માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે. 72 જેટલા અર્બન હેલ્થ સેન્ટર પર આ સુવિધા ઉપલબ્ધ છે તેથી નગરજનો પોતાના વોર્ડની અંદર આવેલા અર્બન હેલ્થ સેન્ટર પર જઈ E-KYCનો સુધારો કરાવી શકશે E-KYC અંતર્ગત ઘણા લોકોને હેરાન થવું પડતું હતું તેની અમને ફરિયાદ મળી હતી. જેમ કે, પિતાના નામ પાછળ ‘કુમાર’ કે ‘ભાઈ’ અથવા લાલ કે પછી સિંહ લખાવવા માટે એફિડેવિટની જરૂર નહીં પડે છે. તો આજની બેઠકમાં આ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેથી આવા નાના સુધારા માટે એફિડેવિટ લેવામાં આવશે નહીં અને સબરજીસ્ટાર કક્ષાએ તેનું અપ્રૂવલ આપવામાં આવે. બીજી તરફ જો કોઈ મોટો ફેરફાર કરવાનો હોય તો તેને રજીસ્ટાર કક્ષાએ અપ્રૂવલ આપવામાં આવે.
વધારાના સ્ટાફની ફાળવણી કરવાનો નિર્ણય
આમ E-KYC માટે હવે એફિડેવિટ વગર જ સુધારા થઇ શકે તેવો નિર્ણય કરવામાં આવતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ ઉપરાંત લોકોને લાઈનમાં ઉભા રહેવામાંથી મુક્તિ આપવા માટે વધારાના સ્ટાફની ફાળવણી કરવાનો નિર્ણય મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો છે.
જો હવે જન્મ-મરણ વિભાગમાં એફિડેવિટ માગવામાં આવશે તો નાગરિકો સીધી ફરીયાદ કરી શક્શે. ત્યારે AMCના આ નિર્ણયથી અમદાવાદના લોકોને લાઇનમાં ઉભા રહીને સમય વેડફવાની વારો નહીં આવે.