વડોદરા: વડોદરામાંથી માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઘણી વાર વાલીઓની બેદરકારીના કારણે બાળકો મોટી મુશ્કેલીમાં ફસાઈ જતા હોય છે. ત્યારે હવે વડોદરામાંથી કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. વડોદરાના નવાપુરા વિસ્તારમાં હિંચકા પર રમી રહેલા બાળકની ટાઈ હૂંકમાં ફસાઈ જતા બાળકને ગળે ટૂપો આવી જવાના કારણે કરુણ મોત નિપજ્યું છે.
બાળકની ટાઈ હિંચકાના હૂંકમાં ફસાઈ જતા બાળકને ગળે ટૂપો આવી જતા મોત
પ્રાપ્ત માહિતી પ્રમાણે પરિવાર પ્રસંગમાંથી ઘરે પરત ફર્યો હતો અને બાળક હિંચકા પર રમી રહ્યો હતો. આ દરમિયાન બાળકની ટાઈ હિંચકાના હૂંકમાં ફસાઈ જતા બાળકને ગળે ટૂપો આવી જતાં મોત થઈ ગયું છે. બાળકને સારવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ બાળકનું મોત નિપજ્યું હતું. સૌથી દુ:ખદ વાત એ છે કે, પટેલ પરિવારમાં વર્ષો પછી પુત્રનો જન્મ થયો હતો. એકના એક દીકરાનું અકાળે મૃત્યુ થઈ જતાં પરિવાર પર ફાટી પડ્યું છે.
સારવાર દરમિયાન ડોક્ટરે મૃત જાહેર કર્યો
વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી લક્ષ્મી ફ્લેટમાં રહેતા ધરમભાઇ પટેલનો 10 વર્ષનો દીકરો રચિત રાત્રે 8:00 વાગ્યા દરમિયાન ઘરમાં હિંચકો ખાઈ રહ્યો હતો. આ દરમિયાન ગળામાં કાપડની ટાઈ પહેરેલી હતી. જે હીંચકાના હૂંકમાં ફસાઈ જતા બાળક બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ બાળકને તાત્કાલિક સારવાર માટે માંજલપુરની પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.