પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હી:  પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થઈ ગયુ છે. તેમણે 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમને આજે સાંજે દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દેશની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન

મનમોહન સિંહ 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા. દેશની અર્થવ્યવસ્થામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમણે દેશના આર્થિક સુધારાને આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવી છે. તેમના અંગત જીવનની વાત કરીએ તો સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ થયો હતો. 1947માં ભાગલા બાદ તેમનો પરિવાર ભારત આવ્યો હતો. મનમોહન સિંહે પંજાબ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ડી.ફિલ કર્યું હતું.

મનમોહન સિંહ 1991થી 1996 સુધી ભારતના નાણામંત્રી હતા

ડૉ. મનમોહન સિંહ તેમની નમ્રતા, કર્મઠતા અને કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. મનમોહન સિંહ વર્ષ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે સામેલ થયા હતા. 1972માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ડૉ. સિંહે નાણા મંત્રાલયના સચિવ, યોજના આયોગના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેંકના અધ્યક્ષ; વડા પ્રધાનના સલાહકાર, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું છે. મનમોહન સિંહ 1991થી 1996 સુધી ભારતના નાણામંત્રી હતા. આ સમય દેશના આર્થિક માળખા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો.

2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં

ઉલ્લેખનીય છે કે, ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંકનાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 33 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. દેશના અર્થતંત્રના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેનારા મનમોહન સિંહ પ્રથમ વખત 1991માં રાજ્યસભાના સાંસદ બન્યા હતાં. તેઓ 1991થી 1996 સુધી દેશના નાણામંત્રી અને 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં હતાં. 2019માં બે મહિનાના ગેપ સિવાય તેઓ સતત છ ટર્મ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 1 ઓક્ટોબર 1991થી 14 જૂન 2019 સુધી સતત તેઓ આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ બે મહિનાની ગેપ બાદ રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્રીજી એપ્રિલે તેમની રાજ્યસભાની ટર્મ પુરી થઇ હતી.

મનમોહન સિંહની રાજકીય કારકિર્દી

તેમની રાજકીય કારકિર્દી 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે શરૂ થઈ હતી. ટૂંક જ સમયમાં તેઓ નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર અને સચિવ જેવા મહત્વના હોદ્દા પર પહોંચી ગયા હતા. વર્ષ 1991થી 1996 દરમિયાન જ્યારે અર્થવ્યવસ્થા આપત્તિજનક સ્થિતિમાં હતી ત્યારે નાણા મંત્રી તરીકે તેમની નાણાકીય નીતિઓએ ભારતીય અર્થતંત્રમાં પરિવર્તન લાવી દીધું. ત્યારે તેમણે અર્થતંત્રને ઉદાર બનાવવા, રૂપિયાનું અવમૂલ્યન કરવા, કરવેરાના બોજને ઘટાડવા અને ભારતમાં વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવા જેવા મોટા સુધારા કર્યા હતા.

દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, ચંદ્રાબાબુ નાયડૂ, કિરેન રિજીજૂ, મહેબૂબા મુફ્તિ, ભૂપિન્દર સિંહ હુડ્ડા, સલમાન ખુર્શીદ, મમતા બેનર્જી, આતિશી, કેજરીવાલ, રાજનાથ સિંહ, સી.આર. પાટીલ, નીતિશ કુમાર સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!