ગાંધીનગર: ભાજપના જ પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલે ગુજરાતમાં વધી રહેલા ભેળસેળ મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે ભેળસેળ મુદ્દે સવાલો ઉભા કરીને સરકાર સામે આંગણી ચીંઢી છે. જેના કારણે રાજકારણ ગરમાયું છે. નારણભાઈ પટેલે જણાવ્યું કે, ઊંઝામાં નકલી જીરુ-વરિયાળીમાં મોટાપાયે ભેળસેળ થઈ રહી છે. ગુજરાતમાં ભેળસેળનો કાળો કારોબાર ખૂબ ચાલી રહ્યો છે, ત્યારે ભ્રષ્ટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દરોડાનું માત્ર નાટક કરી રહ્યું છે.
ભ્રષ્ટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દરોડાનું માત્ર નાટક કરી રહ્યું છે
ગુજરાતમાં નકલી જીરૂ અને વરિયાળીનો જથ્થો પકડાઈ જવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. એટલું જ નહીં ખાસ કરીને ઊંઝામાં ભેળસેળની પ્રવૃત્તિ વધી રહી છે. ત્યારે હવે વધતી જતી ભેળસેળની પ્રવૃત્તિને લઈને ભાજપના જ પૂર્વ ધારાસભ્યોએ સરકાર સામે બાંયો ચડાવી છે. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ લલ્લુભાઈ પટેલે આરોપ લગાવતા રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આડો હાથ લીધું હતું. તેમણે આરોપ લગાવ્યો કે, ભ્રષ્ટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દરોડાનું માત્ર નાટક કરી રહ્યું છે. અત્યાર સુધી નકલી જીરુ-વરિયાળી સહિતના જથ્થાનો નાશ કરાયો હોય અથવા તો કોઈ ભેળસેળિયો પકડાયો હોય કે સજા થઈ હોય તો અમને બતાવો. આવી પરિસ્થિતિમાં પ્રામાણિક વેપારીઓનો મરો થયો છે.
ગુજરાતમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના મેળીપીણાને કારણે હાલ ગુજરાતમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે. છેક ગાંધીનગર સુધી હપ્તા પહોંચી રહ્યા છે. જેથી ભેળસેળિયાઓ ખુલ્લેઆમ પોતાનો કાળો કારોબાર ચલાવી શકે. આ કારણોસર ભેળસેળિયા વેપારીઓ સસ્તા ભાવે નકલી જીરુ-વરિયાળીનો બિન્દાસ વેપાલો કરી રહ્યા છે. જ્યારે પ્રમાણિક વેપારીઓ વેપાર કરવાની સ્થિતિમાં પણ નથી રહ્યા. નફાની લાલચમાં ભેળસેળની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે પ્રાથમિક વ્યાપારીઓને બદનામ થવાનો વારો આવ્યો છે.