ગાંધીનગર: વસ્તીના ઘોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને રાખી રાજ્ય સરકારે નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (P.H.C)ને સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. જેથી અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સુચારૂ રૂપે પુરી પાડી શકાશે.
હાલમાં કુલ 1,499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત
રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો પ્રમાણે આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવે છે. જે પ્રમાણે સામાન્ય વિસ્તારમાં 30 હજાર અને આદિજાતિ વિસ્તારમાં 20 હજારની ગ્રામ્ય વસ્તીએ 1 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે છે. હાલ રાજ્યમાં 2011ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો પ્રમાણે કુલ 1,499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યના વિવિધ ગામોમાં સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુદુઢ અને સુવિધા યુક્ત બનાવવા માટે આ જનહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં રહેતા લોકોને સરળતાથી આરોગ્ય સેવાઓ મળી રહેશે.
હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવે છે. જોકે, નવા કેન્દ્રોની મંજૂરીમાં ભૌગોલિક પરિસ્થિતિને આધારે ઉક્ત વસ્તીના ધારાધોરણો ધ્યાને ન લેતા જીઓ સ્પેશિયલ એનાલિસિસ(JSA)ના આધારે આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં રહેતા લોકોને પણ સરળતાથી આરોગ્ય સેવાઓ મળી રહેશે.
એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેક્નિશિય, જુનિયર ફાર્માસિસ્ટ, સીનીયર ક્લાર્ક સહિતના અન્ય સ્ટાફની નિમણૂંક કરવામાં આવે છે. ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, હાલ જે જગ્યાઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ઘટ છે ત્યાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચતી કરતાં સ્થાનિક લોકો માટે આ કેન્દ્રો આશીર્વાદરૂપ સાબિત થશે.