નહીં સુધરે… સુરતમાં રૂ. 11.52 લાખની ચાઈનીઝ દોરી ઝડપાઈ

ગુજરાતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ અનેક નિર્દોષ વ્યક્તિના જીવ લીધા છે. આમ છતાં લોકો ખરીદે છે અને વેપારીઓ વેચે છે. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ છે. પોલીસે 11.52 લાખની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, આઇસર કન્ટેનર ટ્રક સહિત કુલ 21.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઈવરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝોન 2 એલસીબી શાખાની ટીમે ડીંડોલી સાંઇ પોઇન્ટ ચાર રસ્તા પાસે આઇસર કન્ટેનર અટકાવી તપાસ કરી હતી જેમાં 60 બોક્સમાં 2880 પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબીન મળ્યા હતા જેની કુલ બજાર કિંમત 11.52 લાખ છે. પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબીન, આઇસર કન્ટેનર ટ્રક મળી કુલ 21.52 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રક સાથે અનીલકુમાર શંકરલાલ મીણા નામના આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દોરી વાગવાને કારણે ઘણા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તેનો પરિવાર રઝળી પડે છે. ચાઈનીઝ દોરી હોય કે પછી વધુ કાચ પીવડાવાયેલી દોરી લોકોની તહેવારની મોજ ઘણા પરિવારોના દીવા હોલવી ચુકી છે છતા હજુ પણ એવા ગ્રાહકો મળી જાય છે જે આ પ્રકારના જોખમી માંજાથી તહેવાર ઉજવતા હોય છે અને તેને કારણે નફો કમાઈ લેવા આવા શખ્સો પણ જોખમી દોરી બજારમાં ઉતારવાના સતત જોખમો લઈ રહ્યા છે. માનવતાનો અભિગમ અપનાવી આ પ્રકારની દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!