અમદાવાદ: રાજ્યમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા વદ્ધનું બોગસ તબીબે ઘરે આવી ઓપરેશન કર્યું અને 6 લાખ ડકારી ગયો. આ સમગ્ર ઘટનામાં વૃદ્ધના પૈસા તો પાણીમાં જ ગયા પણ તેમની તકલીફ પણ જેમની તેમ રહી. જ્યારે આ સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો ત્યારે વૃદ્ધે બોગસ તબીબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વૃદ્ધની ફરિયાદ નોંધી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
અજાણ્યા વ્યક્તિએ આપ્યો હતો બોગસ તબીબનો નંબર
અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતાં સંજય સક્સેના દીકરી અને જમાઈ સાથે સીજી રોડની હોટલમાં જમવા ગયા હતાં. જ્યારે આ વૃદ્ધ જમીને બહાર નીકળ્યા ત્યારે ઢીંચણના દુખાવાના કારણે લંગડાતા હતાં. ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેમની પાસે આવીને કહ્યું કે, ‘મારા પિતાને પણ ઢીંચણનો દુ:ખાવો થતો હતો, જેમની મુંબઈ ખાતે સારવાર કરાવતા તેઓને હવે સારૂ થઈ ગયું છે. તમારે પણ સારવાર કરાવવી હોય તો તે તબીબનો નંબર આપું તેને ફોન કરજો.’ આટલું કહી અજાણ્યો શખસ તબીબનો નંબર આપી ત્યાંથી જતો રહ્યો હતો. ઘરે જઈને વૃદ્ધે આ નંબર પર ફોન કર્યો તો ડો. પાટીલ નામના વ્યક્તિ સાથે તેમની વાત થઈ. ફોન પર બોગસ તબીબે કહ્યું કે, હું થોડા જ સમયમાં બે દિવસ માટે ગુજરાત આવવાનો છું ત્યારે હું તમને ફોન કરીને જણાવીશ. બોગસ તબીબે વૃદ્ધનો એડ્રેસ માંગતા વૃદ્ધે આ બોગસ તબીબને પોતાનો એડ્રેસ આપી અપોઈમેન્ટ લઈ લીધી હતી. બાદમાં ગત 16 ડિસેમ્બરે તબીબે ફોન કરીને કહ્યું કે, હું આવતીકાલે અમદાવાદ આવીશ અને સવારે 9:00 વાગ્યાની આસપાસ તમારા ઘરે વિઝિટ કરીશ. તમે ઘરે રહેજો અને સવારે ગરમ પાણી પી લેજો, તથા તમારી કોઈ બીજી દવા ચાલું હોય તો આજે ન લેતા.’ આટલું કહીને બોગસ તબીબે ફોન મૂકી દીધો હતો.
6 લાખ ડકારી ગયો
બીજા દિવસે તબીબે તેના આસીસ્ટન્ટ રાજુ પાટીલ સાથે વૃદ્ધના ઘરે વિઝિટ કરી અને તેના ઢીંચણની તપાસ કરી. જેમાં જમણાં પગમાં પસ થઈ ગઈ હોવાનું જણાવી એકવાર પસ કાઢવાના 6 હજાર થશે તેમ જણાવ્યું હતું. વૃદ્ધે આ બાબતે સંમતિ આપી અને બાદમાં 158 વાર ઢીંચણમાંથી પસ કાઢવાની ટ્રીટમેન્ટ કરી. આ સારવારના 7 લાખ રૂપિયા આસિસ્ટન્ટને આપવા અને તે જે દવા આપે તે પીવાનું જણાવ્યું હતું. બાદમાં પોતાનું વિઝિટિંગ કાર્ડ આપી બોગસ તબીબ ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યાર પછી વૃદ્ધે તબીબના આસિસ્ટન્ટ રાજુને વિનંતી કરી કે 1 લાખ ઓછા કરાવી આપોને. જેના પર આસિસ્ટન્ટ સહમત થયો અને બંને બેંકમાં ગયા. ત્યાંથી વૃદ્ધે પોતાના એકાઉન્ટમાંથી રોકડ 6 લાખ ઉપાડી રાજુને આપી દીધા હતા.
આ રીતે થયો પર્દાફાશ
વૃદ્ધે ઘરે આવી દીકરીને ફોન કરી ઢીંચણની સારવાર ઘરે કરાવી હોવાનું જણાવ્યું હતું. દીકરીએ પિતા પાસેથી તબીબનું વિઝિટીંગ કાર્ડ મેળવીને ઓનલાઈન તપાસ કરી. જેમાં ખુલાસો થયો કે, આવો કોઈ તબીબ જ નથી. જેથી ઢીંચણની સારવાર માટે બોગસ તબીબ બનીને આવેલાં શખસે 6 લાખ રૂપિયા પડાવી ફરાર થઈ ગયાં હોવાનો ખુલાસો થયો હતો. બાદમાં વૃદ્ધે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે ઠગીનો ગુનો નોંધી બોગસ તબીબની તપાસ હાથ ધરી છે.