હોસ્પિટલો દર્દીઓને ઇન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા મજબૂર કરી શકે નહીં

ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે એક પછી એક કૌભાંડ સામે આવ્યા બાદ રાજ્ય સરકારની આંખ ઉઘડી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પરિપત્ર જાહેર કરી ખાનગી હોસ્પિટલો દર્દીઓને ફરજિયાત પોતાના મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાની ફરજ પાડી શકશે નહીં.

ખ્યાતિ કાંડ, નસબંધી કાંડ, નકલી ડૉક્ટરો સહિત અનેક આરોગ્ય વિભાગ સાથે જોડાયેલી બેદરકારી અને કૌભાંડો સામે આવ્યા બાદ છેક હવે ગુજરાત સરકારની આંખ ઉઘડી છે. સરકારને આટલાં વર્ષો બાદ હવે જતાં ધ્યાને આવ્યું કે, હોસ્પિટલો દર્દીને પોતાની જ મેડિકલ સ્ટોરમાંથી કે પછી હોસ્પિટલના નજીકના મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા માટે મજબૂર કરે છે.

રાજ્યમાં આવેલી હોસ્પિટલો દ્વારા સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડિકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે. જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને દવાઓનું આર્થિક ભારણ સહન કરવું પડે છે. કોઈ હોસ્પિટલની દવા ચોક્કસ મેડિકલ સિવાય બીજે ક્યાંય મળતી નથી. એવામાં ગુજરાત સરકારે દર્દીઓને છૂટથી ગમે ત્યાંથી દવા ખરીદી શકે તે માટેનો નિયમ બનાવ્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં આવેલી હોસ્પિટલો ખાતે આવેલી ઇન હાઉસ મેડિકલ સ્ટોર પર “આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી ” તેવા સાઇન બોર્ડ પ્રસિદ્ધ કરવા માટે પરિપત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

જેથી દરેક ઇન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોએ આ પ્રકારની સૂચના મેડિકલ સ્ટોરની બહાર લગાવવાની રહેશે. આ સૂચના દવા લેવા આવનાર વ્યક્તિ સ્પષ્ટ રીતે વાંચી શકે તે મુજબ લગાવાની રહેશે.

ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડૉ. એચ. જી. કોશીયા એ જણાવ્યું કે, હોસ્પિટલનું નિયંત્રણ અમારા વિભાગ હેઠળ આવતું નથી. જેથી અમે હોસ્પિટલને આદેશ ન કરીએ શકીએ, પરંતુ મેડિકલ સ્ટોરને અમે કહી શકીએ. જેથી અમે મેડિકલ સ્ટોરને આદેશ કર્યા છે કે તેઓ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી તેવું બોર્ડ લગાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!