ગાંધીનગરમાં અકસમાતની ઘટના સામે આવી છે. ગાંધીનગર નાના ચિલોડા સર્કલથી નર્મદા કેનાલ પાસે બ્રેઝા કાર ટ્રક પાછળ ઘૂસી જતાં ગમક્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ ઉપર પહોંચીને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ટ્રક પાછળ કાર ઘૂસતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના લીંબડીયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ પાસે મધરાતે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવાનોને કાળ ભરખી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હિંમતનગર તરફથી આવતી બ્રેઝા કારમાં પાંચ જણા આવી રહ્યા હતા. આ દરમિયાન નાના ચિલોડા સર્કલથી લીંબડીયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ પાસે કારના ચાલકે વળાંક લેવા જતાં કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં કારમાં આગળ બેઠેલા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે કારમાં પાછળની સીટમાં બેઠેલા મહિલા – બાળક ઇજાગ્રસ્ત થતાં સ્થાનિકોએ બહાર કાઢી લઈ 108 મારફતે સારવાર અર્થે મોકલી આપ્યા હતા. કારની એર બેગ પણ ખુલી ગઈ હતી
કારના ભુક્કા બોલાઈ ગયા, પતરા કાપીને મૃતદેહો બહાર કઢાયા
અકસ્માતના પગલે મોટી સંખ્યામાં રાહદારી વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા અને ગાડીમાં સવાર યુવાનોના મૃતદેહ બહાર કાઢવા માટે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેનાં પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, અકસ્માત એટલો ભયાવહ હતો કે, કારનું પડિકુ વળી ગયું હતું અને કારમાં સવાર બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢવા મુશ્કેલ ભર્યું કામ હતું.
બાદમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કારનો દરવાજો તેમજ કારની બોડી રેસ્કયૂના સાધનો વડે કાપવાની શરૂઆત કરી દીધી હતી અને ભારે જહેમત પછી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં બંને યુવકના નામ વિજયકુમાર મનહરલાલ જાગેટિયા (શાહ) તેમજ દીપેશ રાજુભાઈ રમદાણી (શાહ) હોવાનું સામે આવ્યું છે.