અમદાવાદઃ થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં થયેલા તેરા તુજ કો અર્પણ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગુજરાત પોલસને દંડો છૂટથી વાપરવાન સલાહ આપી હતી અને ગુજરાતની જનતાની સલામતીની જવાબદારી માટે ગુનેગારો જે ભાષામાં વાત સમજે એ ભાષામાં વાત કરી શકે એનું નામ પોલીસ એવું કહ્યું હતું. અને ટપોરીઓના વરઘોડો અંગે પણ નિવેદન આપ્યા બાદ ગુજરાત પોલીસે 48 કલાકમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં લુખ્ખાગીરી કરનારાઓના વરઘોડા કાઢ્યા હતા.
અમદાવાદના સરસપુરમાં તોડફોડ કરનારાઓને પોલીસે સબક શિખવાડ્યો
અમદાવાદમાં તાજેતરમાં સરસપુરમાં મીઠા પાણીના દરવાજા પાસે પંડિતનગરમાં કેટલાક ટપોરીઓએ તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ભોગ બનેલા લોકો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ બધા ટપોરીઓ પોતાનો પ્રભાવ ઊભો કરવા માટે આ પ્રમાણે આતંક મચાવતા હતા અને જેના કારણે આ વાત છેક ઉચ્ચ પોલીસઅધિકારી સુધી પહોંચી હતી અને તેના બાદ આરોપીઓને ગમે ત્યાંથી શોધીને તેને કાયદાનો પાઠ ભણાવવામાં આવે એવી સૂચના આપવામાં આવી હતી.
પંડિતનગરમાં થયેલી બબાલમાં રાતે લોકોનાં ટોળાં ભેગાં થયાં હતાં અને આ સમગ્ર વીડિયો વાઇરલ થયા હતા. આ વીડિયોમાંથી આરોપીની ઓળખ કરી પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓને લઈ પોલીસ તેના જ વિસ્તારમાં પહોંચી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું.
રાજકોટમાં યુવક પર છરીથી હુમલો કરનાર સામે કાર્યવાહી
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્ત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે, જેમાં ગઇકાલે પણ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખત્રીવાડ હવેલી રોડ ઉપર એક રિક્ષાચાલકનો આતંક સામે આવ્યો હતો અને ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રિક્ષાચાલક દ્વારા 42 વર્ષીય દીપાંકર બંગાળી નામની વ્યક્તિ સાથે બોલાચાલી કરી તેના ઉપર રિક્ષાચાલક દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.
આરોપીની ધરપકડ કર્યા બાદ આજે પોલીસ દ્વારા આરોપી સાકીરખાન પઠાણને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને પંચરોજ કામ કરવામાં આવ્યું હતું, જેમાં તે ક્યાંથી ક્યાં જતો હતો તેમજ કઈ જગ્યાએ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો હતો એ અંગે નિવેદન નોંધવામાં આવ્યું હતું. આરોપીને પોલીસે તેની જ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
વડોદરામાં હત્યાના પ્રયાસના આરોપીનો ‘વરઘોડો’ નીકળ્યો
વડોદરા શહેરમાં હત્યાનો પ્રયાસ કરનાર એક આરોપીને પણ પોલીસે જાહેરમાં લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. અગાઉ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્ત્વોને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એને અનુલક્ષીને આજે વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી યાકુતપુરાથી આરોપીઓનો જાહેરમાં ‘વરઘોડો’ કાઢવામાં આવ્યો હતો. આ આરોપી હત્યાના પ્રયાસમાં સંડોવાયેલો છે અને રિકન્સ્ટ્રકશનની સાથે વરઘોડો પણ કાઢ્યો હતો.