અમદાવાદઃ અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં ક્યાંકના ક્યાંક આત્મહત્યાના બનાવ બનતા રહે છે ત્યારે અમદાવાદમાં માતાએ પોતાના પુત્ર સાથે મોતની છલાંગ લગાવ્યાની ઘટના સામે આવી છે. જોકે મૃતક મહિલાના ભાઈએ પોતાના બનેવી ઉપર અત્યાચારનો આરોપ લગાવ્યો છે. પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી છે.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા નજીક એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી આજે સવારે એક મહિલાએ તેના પુત્ર સાથે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં વિગત એવી સામી આવી રહી છે કે મરનાર બાળકની ઉંમર સાત વર્ષની છે અને તેનું નામ રીધમ છે, જ્યારે તેની માતાનું નામ વિરાજબેન વાણિયા છે.
આજે સવારે અચાનક સોસાયટીમાં ત્રીજા માળથી નીચે કોઈ પટકાવ્યું અને જોરદાર અવાજ આવતાં લોકો ભેગા થઈ ગયા હતા ને જોતાં બંને મૃતકોની લાશ નીચે પડી હતી. નીચે લોહીનાં ખાબોચિયાં ભરાયાં હતાં, જે જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા હતા. આસપાસના લોકો ભેગા થતાં 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. થોડીવારમાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી.
સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મરનારના પતિ હાલ હિંમતનગરના ડોગ્સ- સ્ક્વોડમાં ફરજ બજાવે છે. તેમનું નામ મિતેશ વાણિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. આત્મહત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં? એ તપાસવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. બીજી તરફ મોબાઈલ અથવા કોઈ આત્મહત્યા પહેલાં કોઈ ચિઠ્ઠી લખી હોય અથવા મેસેજ કર્યો હોય એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.