સુરતમાં વાહન પાર્ક કરવા જેવી બાબતમાં વેપારની હત્યા, છરીના 10 ઘા મારી ઘટનાને આપ્યો અંજામ, આરોપી સામે 8 ગુના નોંધાયેલા

Surat murder cctv

સુરતઃ સુરત શહેરમાં દિવસે ને દિવસે હત્યા, છેડતી જેવા ગંભીર ગુનાઓમાં વધારો થયો છે. ખાસ કરીને નજીવી બાબતમાં હત્યા જેવા ગંભીર ગુનાઓ આચરતા ગુનેગારો અચકાતા નથી. ત્યારે સુરત શહેરમાં ફરીથી જાહેરમાં હત્યાની ઘટના બની છે. શહેરના ઉધના વિસ્તારમાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે એક લુખ્ખાએ વેપારીને ચપ્પુના ધડાધડ 10 ઘા ઝીંકી હત્યા નિપજાવતાં ચકચાર મચી છે. લોકોએ હિંમત કરી આરોપીને લોહી નીતરતા ચપ્પુ સાથે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સામે ભૂતકાળમાં એકથી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

છરીના 10 ઘા મારી વેપારીની કરી હત્યા

હત્યા અંગે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના ઉધના વિસ્તારમાં બાઈક પાર્ક કરવા મુદ્દે થયેલા વિવાદ હત્યા સુધી પહોંચ્યો હતો. આરોપી નીરજ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ચોરી, મારામારી, લૂંટ સહિત 8 જેટલા ગુના તેની પર નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, પોલીસે તેની પર પાસાની કાર્યવાહી પણ કરી છે. તેમ છતાં ઉધના વિસ્તારમાં તે પોતાની પાસે ચપ્પુ લઈને બેફામ ફરતો હતો. નજીવી બાબતે નીરજે વેપારી સુભાષને એક બાદ એક માત્ર 10 સેકન્ડમાં 10 જેટલા ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ગુનાહિત ઇતિહાસ ધરાવનાર નીરજ પર કોઈ હુમલો ન કરે એ માટે તે પોતાની સાથે હંમેશાં ચપ્પુ રાખતો હતો.. વેપારી સુભાષની હત્યાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.

બાઈક હટાવવા બાબતે થઈ હતી બબાલ

સુભાષ ખટિક, મૂળ રાજસ્થાનના અને ડિંડોલી મધુવન સર્કલ પાસે મિલેનિયમ પાર્કમાં રહેતા હતા. સુરતના સ્ટેશન વિસ્તારમાં તેમની ઇલેક્ટ્રોનિક્સ દુકાન હતી. તેમના ભાઇ રાકેશની ઉધનામાં મહાવીર કોમ્પ્લેક્સમાં દુકાન છે. સોમવારે સાંજે સુભાષભાઇની દુકાને આવ્યા ત્યારે રસ્તા વચ્ચે બાઇક પડેલી જોવા મળી હતી. સુભાષે બાઇક હટાવવા માટે નીરજ ગંગાસાગર અમરને વિનંતી કરી, પરંતુ નીરજે બાઇક હટાવવાની ના પાડી અને વિવાદ થયો. સુભાષે થોડીવારમાં બાઇક પાર્ક કરીને પરત આવીને ફરી વિવાદ કર્યો, એના પરિણામે ઉશ્કેરાયેલા નીરજે પોતાના ચપ્પુથી સુભાષની છાતીમાં ઘા મારી દીધો.

જાહેરમાં હત્યાને અંજામ આપ્યા બાદ નીરજ ત્યાંથી ફરાર થાય એ પહેલાં જ સ્થાનિક લોકોએ આરોપીને લોહી નીતરતા ચપ્પુ સાથે દબોચી લઈ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નીરજ અગરબત્તી વેચવાનો ધંધો કરતો હતો અને તેની વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ચોરીના 8 કેસ નોંધાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!