પ્રયાગરાજ: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી દુર્ઘટના ઘટી છે. મંગળવાર-બુધવારે રાત્રે પ્રયાગરાજના સંગમ કિનારે નાસભાગ મચી ગઈ. આ નાસભાગમાં 15થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. જોકે, વહીવટીતંત્રે મૃત્યુ કે ઘાયલોની સંખ્યા અંગે કોઈ સત્તાવાર માહિતી નથી આપી.
અમૃત સ્નાન 10 વાગ્યા પછી ફરી શરૂ થશે
નાસભાગ બાદ વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે મૌની અમાવાસ્યાના અમૃત સ્નાનને રદ કરી દીધુ હતું. ત્યારબાદ અખાડાઓએ એક બેઠક યોજી અને આ બેઠકમાં 10 વાગ્યા પછી ફરી અમૃત સ્નાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન પર સીએમ યોગી સાથે ફોન પર વાત કરી અને ઘટનાની માહિતી લીધી છે. હવે અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભનું નિરીક્ષણ કરી રહ્યા છે.
અફવાના કારણે સંગમ નોઝ પર નાસભાગ મચી
પ્રાપ્ત માહિતી પ્રમાણે અફવાના કારણે સંગમ નોઝ પર નાસભાગ મચી ગઈ હતી. કેટલીક મહિલાઓ જમીન પર પડી ગઈ અને લોકો તેમને કચડીને પસાર થઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ 70થી વધુ એમ્બ્યુલન્સ સંગમ ઘાટ પર પહોંચી ગઈ હતી અને ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
CM યોગીએ કરી અપીલ
સીએમ યોગીએ એક ટ્વિટ કરીને શ્રદ્ધાળુઓને વિનંતી કરી કે, તમે કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો અને તંત્ર દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરો. મા ગંગાના દરેક ઘાટને સ્નાન માટે વ્યવસ્થિત કરવામાં આવ્યા છે એટલા માટે શ્રદ્ધાળુઓ જે ઘાટની નજીક છે ત્યાં જ સ્નાન કરે અને સંગમ નોઝ તરફ જવાનો પ્રયાસ ન કરો.
NSG કમાન્ડોએ સંગમ ઘાટ પર મોર્ચો સંભાળ્યો
નાસભાગ NSG કમાન્ડોએ સંગમ ઘાટ પર મોર્ચો સંભાળ્યો હતો. સંગમ નોઝ વિસ્તારમાં સામાન્ય લોકોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. ભીડ વધુ ન વધે તે માટે ભક્તોને પ્રયાગરાજ શહેરમાં પ્રવેશવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. આ માટે શહેરની સીમાને અડીને આવેલા જિલ્લાઓમાં વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
આજે મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન
આજે મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન છે, જેના કારણે શહેરમાં લગભગ 5 કરોડ ભક્તો હાજર રહે તેવી અપેક્ષા છે. વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે આજે મોડી રાત સુધીમાં સંગમ સહિત 44 ઘાટ પર 8 થી 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર ડૂબકી લગાવે તેવી અપેક્ષા છે.