અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા થોડા વર્ષોમાં ડ્રગ્સની તસ્કરીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના મોટા શહેરોમાંથી તો ડ્રગ્સનો જથ્થો ઝડપાતો જ રહે છે, જો કે હવે તો ગ્રામીણ વિસ્તારોમાંથી પણ ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. ત્યારે હવે અમદાવાદના ધોળકામાંથી ડ્રગ્સનું ગોડાઉન ઝડપાયું છે. ગુજરાત ATSની ટીમે ગોડાઉનમાંથી લગભગ 50 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
ATSની ટીમે 50 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાત ATSની ટીમે ધોળકાના પુલેન ચોકડી વિસ્તારમાંથી લગભગ 50 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ધોળકાના પુલેન સર્કલ વિસ્તારમાં આવેલા દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન નંબર 54માંથી આશરે 50 કરોડની માતબર રકમનું ડ્રગ્સ ગુજરાત એટીએસએ ઝડપી પાડ્યું છે. ડ્રગ્સ બનાવવાનું અંદાજે 500 કિલો રો મટેરિયલ હોવાનું અનુમાન છે. ગુજરાત એટીએસની ટીમે ડ્રગ્સનું ગોડાઉન ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણ ચાર મહિનાથી આ ગોડાઉન બંધ હતું
ગુજરાત ATSએ આખી રાત ધોળકામાં તપાસ હાથ ધરી હતી અને રો મટેરીયલના અલગ-અલગ સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા. આસપાસના દુકાનદારો અનુસાર છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ ગોડાઉન બંધ હાલતમાં હતું અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મોટી સંખ્યામાં ડ્રગ્સનું રો મટેરીયલ ઝડપાયું છે.
આ પહેલા ખંભાતમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે
આણંદ જિલ્લાના ખંભાત શહેરની સોખડા GIDC વિસ્તારમાં આવેલી ગ્રીન લાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં 24 જાન્યુઆરીએ ATSએ દરોડા પાડી 107 કિલો અલ્પાઝોલમ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ દરમિયાન ઝડપાયેલા છ આરોપીઓ પૈકીના એક આરોપીની પૂછપરછમાં તેણે અમદાવાદના ધોળકા નજીક એક વેરહાઉસમાં 500 કિલો ડ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો સંતાડ્યો હોવાની માહિતી આપી હતી. આ માહિતી મળતા જ ATSએ દોરડા પાડી અંદાજે 50 કરોડની કિંમતનું ટ્રક કબજે કર્યું છે આ જથ્થો અહીંથી આફ્રિકન કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરવાનું આયોજન હોવાનો ખુલાસો થયો છે.