અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેરાત થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર એસ.મુરલીકૃષ્ણે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખોનું એલાન કર્યું છે. રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી કરવામાં આવશે.
66 નગરપાલિકાઓની ચૂંટણી થશે
રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડો. એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું કે, રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 66 નગર પાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગર પાલિકાની 3 ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ. આ સિવાય ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો. બોરસદ, સોજીત્રા જેમાં OBCની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં 19 લાખ જેટલા મતદારો મત આપશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મહત્વની તારીખો
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ: 3 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: 4 ફેબ્રુઆરી 2025
મતદાનની તારીખ: 16 ફેબ્રુઆરી 2025
મતદાનનો સમય: સવારે 7 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી
મતગણતરીની તારીખ: 18 ફેબ્રુઆરી 2025
16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ પરિણામ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે આ ઉપરાંત ચંટણી વિસ્તારોમાં આજથી જ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કુલ 2178 બેઠકો પર આગામી 16 ફ્રેબુઆરીના મતદાન યોજાશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી કાર્યક્રમમાંથી ધાનેરા નગરપાલિકાની બાકાત રાખવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાં આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા ઓ.બી.સી., 14 ટકા એસ.ટી. અને 7 ટકા એસ.સી. અનામત બેઠકો રહેશે. 73 નગરપાલિતકાની સામાન્ય ચૂંટણીની સાથે રાજ્યની અન્ય 17 નગરપાલિકાની ખાલી પડેલી 24 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.
ચૂંટણીની તૈયારી તેજ
તમને જણાવી દઈએ કે રાજ્ય ચૂંટણીપંચે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ તેજ કરી દીધી છે. પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિયુક્તિ કરી દેવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં 94 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્તિના આદેશ આપવામાં આવ્યા હતા.