અમદાવાદ: BZ ગ્રુપ કંપનીના ઓઠા હેઠળ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જામીન મેળવવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે.જેમાં સીઆઈડી ક્રાઈમે 39 પાનાની એફિડેવીટ કરીને કોર્ટને જણાવ્યુ છે કે, આરોપીએ રોકાણકારોને લાલચ આપીને રૂ.150 કરોડ બેંક મારફતે ઉઘરાવ્યા હતા જેમાંથી રૂ.53.06 કરોડ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અંગત ઉપયોગમાં વાપરી કાઢયા છે આ ઉપરાંત હિંમતનગર શાખામાંથી મળેલા બે ચોપડામાંથી રૂ.52 કરોડનો હિસાબ મળ્યો છે. કોર્ટે આ જામીન અરજીની સુનાવણી આગામી દિવસોમાં રાખી છે.
BZ ગ્રુપના મહાકૌભાંડી આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની રેગ્યુલર જામીન અરજીનો સીઆઇડી ક્રાઇમ દ્વારા સખત વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ જણાવ્યું કે, આરોપીએ અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, રાજસ્થાન સહિતની જગ્યાએ ઓફ્સિો ખોલી ઊંચા વળતર, નફાની લાલચ આપી કરોડોનું કૌભાંડ આચર્યું છે, આરોપીએ લોકોના પૈસાથી મોંઘી મર્સીડિઝ, ટોયોટા સહિતની ગાડીઓ ગીફ્ટમાં આપી હતી. આ ઉપરાંત માલદીવ, બાલી, ગોવા સહિતની જગ્યાએ ટુર્સ ગોઠવી લોકોને રોકાણ કરાવી મોટો લાભ મેળવ્યો છે. આરોપીએ ટુરનું પેમેન્ટ બીઝેડ ફાઇનાન્સ સર્વિમાંથી ચૂકવ્યું છે તેની તપાસ થઇ રહી છે. આરોપી બીઝેડ ગ્રુપનો સીઇઓ છે, આરોપીએ લોકોને ગીફ્ટ અને 7 થી 18 ટકા વળતરની લાલચ આપી પૈસા અંગત વપરાશમાં લઇ મોટુ કૌભાંડ આચર્યું છે, આરોપીએ 2020થી 2024 દરમિયાન 18 મિલકતો ખરીદી છે જેની કિંમત 35 કરોડ જેટલી થાય છે. આરોપીએ લોકોના પૈસે વોલ્વો, પોર્શ, મર્સીડિઝ બેન્ઝ જેવી ગાડી ખરીદી છે, આરોપીએ કૌભાંડ માટે 11 કંપનીઓ ખોલી હતી તેની તપાસ ચાલી રહી છે. સમગ્ર કૌભાંડ માટે 27 બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં કરોડો રૂપિયાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, આરોપી સામે આવા ચાર ગુના નોંધાયેલા છે.
સરકારી નાંણાની ઉચાપત કરી
મુખ્ય સરકારી વકીલે અદાલતનું એ મુદ્દે પણ ધ્યાન દોર્યું કે, આરોપી ભૂપેન્દ્રર ઝાલાએ ઉમિયા કોટ ફાયબર્સ મુઃધોરાજી, તા. રાજકોટ ખાતેથી કપાસનું ઉત્પાદન કે વેચાણ ન કર્યું હોવા છતાં પાંચ બીલો બનાવ્યા હતા, તેના દ્વારા કાળા નાણાંને સફેદ કરવાનું કૌભાંડ આચર્યું છે. આરોપીએ રોકાણકારોને રોકાણમાંથી રૂ.23.19 લાખ બેંક મારફ્તે અને રૂ.29.87 કરોડ રોકડ એમ કુલ રૂ.56.06 કરોડ અંગત વપરાશમાં લીધા છે, આરોપી પાસે એક જ જગ્યાનું નાણા ધીરાણનું લાયસન્સ હોવા છતા 11 જગ્યાએ તે જ લાયસન્સનો ઉપયોગ કરી ધંધો કર્યો છે, આરોપીએ વિદ્યાર્થીઓને મળેલ રૂ.81 લાખની ગ્રાન્ટમાંથી રૂ.75 લાખ પોતે મેળવી સરકારી નાંણાની ઉચાપત કરી છે, આરોપીએ શિક્ષકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી લાખો રૂપિયા રોકડમાં ઉપાડી લીધા હતા. આરોપીએ કૌભાંડના પૈસામાંથી 18 જેટલી મિલકતો ખરીદી છે આ મામલે તપાસ જારી છે ત્યારે આરોપીને જામીન ન આપવા જોઇએ.
150થી વધુ લોકોના નિવેદનો નોંધાયા
બીઝેડમાં રોકાણકારો પૈકીના ભોગ બનનાર 150થી વધુ લોકોના નિવેદન સીઆઈડી ક્રાઈમે નોંધ્યા છે. હાલમાં આ સમગ્ર મામલે વ્યાપક તપાસ ચાલુ છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ
બીઝેડ કૌભાંડનો મુખ્ય આરોપી 1 મહિના જેટલા સમયથી પોલીસ પક્કડથી દૂર હતો. ત્યારે 27 ડિસેમ્બરનાં રોજ સીઆઈડી ક્રાઈમે મહેસાણાથી CID ક્રાઈમે ધરપકડ કરી છે. મહાકૌભાંડીને મહેસાણાથી ગાંધીનગર લાવવામાં આવ્યા છે. લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને ફરાર થયો હતો.