ગાંધીનગર: ગાંધીનગર ફૂડ સેફ્ટી ઓફિસરોએ ડિસેમ્બર મહિનામાં કુલ 76 નમૂના લેવામાં આવ્યા હતા. જે પૈકી આઠ નમૂના ફેઈલ જણાઈ આવ્યા હતા. હવે તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગાંધીનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીની બેઠક તાજેતરમાં જ યોજાઈ હતી.જેમાં જિલ્લામાં ડીસેમ્બર મહિનામાં 95.58% આધાર બેઝડ ઈ-ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યુ હોવાનું પણ જણાવાયું હતુ.ગાંધીનગર જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં સમાવેશ કરવા માટેની કુલ 411 નવી અરજીઓ પૈકી 317 અરજીઓનો નિકાલ ડીસેમ્બર મહિના દરમિયાન કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરી અંતર્ગત ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા ડીસેમ્બર માસમાં કુલ 76 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પૈકી બેકલોગ સાથે પાસ થયેલા સેમ્પલ 68 અને ફેઈલ થયેલા સેમ્પલ આઠ આવ્યા છે.
આ ઉપરાંત,છેલ્લા એક મહિનામાં કુલ 111 વાજબી ભાવની દુકાનો, 3 ગોડાઉન તથા 2 પેટ્રોલપંપની પણ તપાસ કરવામાં આવી હતી. આ બેઠકમાં તમામ તાલુકાના પુરવઠા મામલતદારો અને પુરવઠા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.જેમને જરૃરી સુચના પણ આપવામાં આવી હતી.