મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરનાર આરોપીની મુંબઈ પોલીસે થાણે પશ્ચિમ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે. પોલીસે લેબર કેમ્પમાં દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપી પોતાની વાસ્તવિક ઓળખ જાહેર નથી કરી રહ્યો. તે પોતાના અલગ-અલગ નામ આપીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વચ્ચે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, પોલીસને શંકા છે કે આરોપી ગેરકાયદેસર બાંગ્લાદેશી પણ હોઈ શકે છે.
આરોપી સતત પોતાનું નામ બદલી રહ્યો
આરોપી સતત પોતાનું નામ બદલી રહ્યો છે. થોડા સમય પહેલા તેણે પોલીસને પોતાનું નામ મોહમ્મદ સજ્જાદ જણાવ્યું અને કહ્યું કે, આ જ મારું અસલી નામ છે. પોલીસને શંકા છે કે આરોપી બાંગ્લાદેશથી સિલિગુડી થઈને મુંબઈ આવ્યો હતો. આરોપી પાસેથી કોઈ આધાર કાર્ડ મળ્યું નથી કે કોઈ દસ્તાવેજ મળ્યો નથી, જેનાથી તેનું નામ કે સરનામું ચકાસી શકાય. આ પહેલા આરોપી વિજય દાસ, બિજોય દાસ અને મોહમ્મદ ઇલ્યાસ સહિત અનેક નામોનો ઉપયોગ કરી ચૂક્યો છે.
પોલીસે આરોપીનો ફોન ટ્રેસ કરી લીધો હતો
આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેણે પોતાનો ફોન ચાલુ કર્યો અને એક કોલ કર્યો. વાતચીત પૂરી થયા પછી તેણે ફરીથી પોતાનો ફોન બંધ કરી દીધો હતો. જ્યારે પણ તે બજારમાં કે રસ્તા પર ક્યાંય પણ સીસીટીવી ફૂટેજ જોતો ત્યારે આરોપી પોતાનો ચહેરો છુપાવી દેતો હતો પરંતુ પોલીસે તેનો ફોન ટ્રેસ કરી લીધો. જ્યાં-જ્યાં આરોપીની હાજરી જણાઈ ત્યાં-ત્યાં એક્ટિવ મોબાઈલ નંબરોનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો.
આરોપી પહેલા મુંબઈના પબમાં કામ કરતો હતો
આરોપી પહેલા મુંબઈના એક પબમાં કામ કરતો હતો. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે, તે પશ્ચિમ બંગાળના નાદિયાનો રહેવાસી હતો. આજે ટૂંક સમયમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં આરોપીના રિમાન્ડની માગ કરવામાં આવશે. પોલીસે આરોપીની મહારાષ્ટ્રના થાણેના હિરાનંદાની વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આરોપીએ આ દરમિયાન જણાવ્યું કે, હું સૈફના ઘરે ચોરી કરવા ગયો હતો.
સૈફ અલી ખાન પર હુમલો
ગુરુવારે સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરે એક આરોપીએ ચાકુ વડે તેના પર છ વખત હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. સૈફ અલી ખાન પર હુમલો કર્યા બાદ આરોપી ત્યાંથી નાસી છુટ્યો હતો.