અમદાવાદ: રાણીપમાં ગેરકાયદેસર દબાણ હટાવવા પહોંચેલી ટીમ પર સ્થાનિકોનો હુમલો, 5 સામે ફરિયાદ દાખલ

અમદાવાદ: હાલમાં સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે અમદાવાદના રાણીપમાં ગેરકાયદેસર દબાણ હટાવવા પહોંચેલી ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો. અમદાવાદમાં જુહાપુરા, જમાલપુર બાદ આજે AMCની ટીમ અને ગુજરાત પોલીસ રાણીપ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવવા માટે પહોંચી હતી. આ દરમિયાન સ્થાનિક લોકોએ ટીમ પર હુમલો કરી દીધો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્થાનિક લોકોએ પોલીસ અને AMCની ટીમ પર પથ્થરમારો પણ કર્યો હતો.

PSIને ધમકી આપી

બીજી તરફ એવો પણ આરોપ લગાવામાં આવી રહ્યો છે કે, સ્થાનિક આરોપીઓએ PSIનો કોલર પકડી લીધો હતો અને તેમને મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકો પૈકીના કેટલાક વ્યક્તિઓએ આત્મહત્યાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ AMCના TDO ઈન્સ્પેકટર કેતન પ્રજાપતિ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ

પોલીસ ફરિયાદમાં AMC ટીમની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવી, તેમજ હુમલો કરવાના આરોપસર બે મહિલા સહિત ત્રણ પુરુષ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે આ ઘટના બાદ પણ તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ આ મામલે જરૂરી કાર્યવાહી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!